વાવાઝોડાને પગલે જખૌ બંદર ખાતે વસતા નાગરીકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા હુકમ

જખૌ : હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮મી મેથી ૧૯ મે દરમ્યાન અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં તૌકતે નામનું વાવાઝોડુ ટકરાવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેની તકેદારીના પગલાનાં ભાગરૂપે જખૌ બંદર ખાતે વસતા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અબડાસાના પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરાયો છે. અબડાસાનું જખૌ બંદર ખુબ જ મહત્વનું અને આ વિસ્તારમાં સૌથી વધારે નુકશાની થવાની સંભાવના દર્શાવાઈ છે. જખૌ બંદર ખાતે માછીમારો, અગરીયાઓ તેમજ ખુબ જ મોટા પ્રમાણમાં મજુરો વસવાટ કરી રહ્યા છે. જેઓને વાવાઝોડા સમયે આગમચેતીના ભાગરૂપે અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરાવવાના રહે છે. અબડાસા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળાંતર કરવાપાત્ર વ્યક્તિઓ માટે અલગથી આશ્રય સ્થળ નક્કી કરી લેવામાં આવ્યા છે. ત્યારે નેશનલ ડિઝાસ્ટર એકટ મુજબ થયેલી જોગવાઇઓમાં જ્યારે આવશ્યકતા જણાય ત્યારે કોઇ પણ વિસ્તારમાં આવન જાવન બંધ કરી શકાય છે. અથવા જરૂર જણાય તો તેઓને અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરી શકાય છે. તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જખૌ મરીન પોલીસ સ્ટેશનને અબડાસા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને ૧૫મી મેના 7 કલાક સુધીમાં જખૌ બંદર ખાતે વસતા તમામ નાગરીકોને સલામત સ્થળ ખાતે સ્થળાંતર કરવાનો હુકમ પ્રાંત અધિકારી શ્રીજેતાવત દ્વારા કરવામાં આવ્યો છે.