વાવાઝોડાના સંકટમાં કચ્છ જાળવે સંયમ : પ્રભારી સચિવશ્રી

પીજીવીસીએલ, પાણી પુરવઠા, એસટી, આરોગ્ય વિભાગ સહિતના સરકારી તંત્રો એલર્ટ મોડમાં : હોસ્પિટલો, ઓક્સિજન પ્લાન્ટમાં સુવિધાઓ વધારાઈ : સૌના સહકારથી આફત સામે લડી શકશું : કોવિડ હોસ્પિટલો માટે ભુજ – ગાંધીધામમાં સિલીન્ડર રિઝર્વ રખાયા : ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં લોકો સંયમ જાળવે અને સુચનાઓનું પાલન કરે એ માટે પ્રભારી જે. પી. ગુપ્તા દ્વારા કરાઈ અપીલ

ભુજ : કોરોના મહામારી વચ્ચે કચ્છમાં સંભવીત વાવાઝોડાની સ્થિતિ ઉંબરે આવીને ઉભી છે ત્યારે જિલ્લાનું તંત્ર વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનું પ્રભારી સચિવે જણાવ્યું હતું. તમામ સરકારી વિભાગો એલર્ટ મોડમાં હોવા સાથે કોવિડ હોસ્પિટલો અને ઓક્સિજન પ્લાન્ટોમાં તકેદારી વધારાઈ છે. કચ્છની પ્રજા ખમીરવંતી છે અને તેને આફતને અવસરમાં પલટાવવાનુ આબેહુબ આવડે છે. વાવાજોડા અને ભુકંપ જેવી મહાવિનાશક આફતમાંથી આ જિલ્લો હામભેર બેઠો થયો છે અને લોકભાગીદારીના શ્રેષ્ઠ દાખલાઓ કચ્છે આવી આપદાઓ વખતે અન્યોને આપ્યા છે. હાલમાં પણ તોકતે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી છે ત્યારે પણ કચ્છના લોકો તંત્રની સુચનાઓનું પાલન કરે અને સંયમ જાળવે તે જરૂરી હોવાનુ પ્રભારી સચિવશ્રી ગુપ્તાએ અનુરોધ કરતા કચ્છઉદય
સાથેની એક ખાસ મુલાકાતમાં જણાવ્યુ હતુ.પ્રભારી સચિવ જે. પી. ગુપ્તાએ જણાવ્યું કે, હાલમાં તાઉતે વાવાઝોડું દરિયાથી રપ૦ કિલોમીટર દૂર છે. મોડી રાત સુધી આ વાવાઝોડું વેરાવળ – મહુવા વચ્ચેથી પસાર થશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર – કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અસરની સંભાવના છે. ભારે વરસાદ સાથે તેજ ગતિએ પવન ફુંકાઈ શકે છે. અગાઉ આ વાવાઝોડું કચ્છમાંથી પસાર થવાની સંભાવના હોવાથી તેને ધ્યાને રાખી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાંઆવ્યા છે.અગરીયાઓ, માછીમારો, પોર્ટ વિસ્તારમાં રહેતા લોકો, દરિયાઈ વિસ્તારમાં રહેતા સ્થાનીકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ તો પીજીવીસીએલ વિભાગ, વીજ વિક્ષેપ સામે સતર્ક છે. ઉપરાંત ઈમરજન્સીમાં લોકોનું સ્થળાંતર સહિતની કામગીરી માટે એસટી વિભાગ સુપેરે જવાબદારી નિભાવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના સરકારી તંત્રો, ઈમરજન્સીની સ્થિતિ અને વાવાઝોડા બાદની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. એક્સન પ્લાન પ્રમાણે કામગીરી ચાલી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિ વચ્ચે વાવાઝોડાની આફત આવી છે ત્યારે કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં કોઈ ખલેલ ન પહોંચે તે દિશામાં કામગીરી કરાઈ છે. વીજ વિક્ષેપ સર્જાય તો દર્દીઓની સારવાર માટે અલ્ટરનેટ પાવર જનરેટરની વ્યવસ્થા છે. ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટોમાં વધારાના પાવરની વ્યવસ્થા છે. ઓક્સિજનની જિલ્લામાં તંગી નથી. વધુમાં જામનગરથી લિક્વિડ ઓક્સિજનનું ટેન્કર જી.કે.માં આવ્યું છે. જેનાથી મહત્તમ જરૂરીયાત સંતોષાઈ ગઈ છે. ઉપરાંત ભુજ અને ગાંધીધામ ખાતે ઓક્સિજનના સીલીન્ડર રીઝર્વ રાખવામાં આવ્યા છે. તમામ પરિસ્થિતિ પર મોનીટરીંગ હોવાનું જણાવી વાવાઝોડા સામે લડવા તંત્ર તૈયાર હોવાનું ઉમેર્યું હતું. લોકોને અપીલ કરતા કહ્યું કે, ભારે વરસાદ થાય તો લોકો સાવધાની રાખી, ઝાડ કે ટાવર પાસે ન ઉભા રહે. ટીવી, સમાચાર પત્રો, રેડીયો પર આવતી સુચનાઓનું પાલન કરે એ માટે અપીલ કરી હતી.

કચ્છમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો

ભુજ : પ્રભારી સચિવ જે. પી. ગુપ્તાએ કહ્યું કે, કચ્છમાં અગાઉની સરખામણીએ કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો થયો છે. જિલ્લામાં ઓક્સિજન સાથેની પથારીઓ વધી છે. ગઈકાલે મસ્કાની હોસ્પિટલમાંથી દર્દીઓને ભુજ શીફટ કરાયા, જે દર્શાવે છે કે, હોસ્પિટલોમાં જગ્યા ખાલી છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. રસી બાબતે કહ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ રસીકરણ ફરીથી શરૂ થશે. કચ્છ જિલ્લો અન્ય જિલ્લાઓની સરખામણીએ વિશાળ છે. તમામ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.

પાટીદાર કોવિડ કેર સેન્ટરથી પ્રભારી સચિવ અભિભુત

પ્રભારી સચીવે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તથા કોવીડ કેર સેન્ટરના આગેવાનો ટીમ ડો. સેંગાણી, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સહિતનાઓ સાથે કર્યા પરામર્શ : દર્દીઓને ઓક્સિજન સહિતની સુવિધા અને સારવાર અંગેનું કર્યું નિરીક્ષણ : ૩૮ જેટલા દર્દીઓની ચાલતી સારવાર અંગે મેળવી વિગતો