વામાન વિભાગ ની આગાહી અનુસાર તૌકતે(Tauktae) વાવાઝોડા ના કારણે કચ્છ જીલ્લા ના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતાઓ રહેલી છે. હાલમાં ખેતરમાં ઉભાપાક જેવાકે ઉનાળુ બાજરી, જુવાર, ઘાસચારો, શાકભાજી વગેરે પાકોમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતી ના પગલા લઇ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. ભારે વાવાઝોડા તથા વરસાદ થવાની ચેતવણી ને ધ્યાને લઇ ખેડૂતોએ ઉનાળુ બાજરીના પાકમાં પિયત ટાળવું તથા કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. જુવાર, ઘાસચારો, શાકભાજી વગેરે ઊભા પાકોમાં પિયત ટાળવું. ખેતરમાં ઉભા પાકમાં પાણીના નિતાર ની વ્યવસ્થા આગોતરી કરવી. ખાસ કરીને બીટી કપાસ નું નવુ વાવેતર હમણાં ટાળવુ. શાકભાજી વગેરેના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ના રહે તે માટે આગોતરી કાળજી લેવી. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શકય હોય તો ટાળવું. હાલમા કોઇ પાકમા જંતુનાશક દવાનો છંટકાવ નહી કરવા ભલામણ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ ની ચીજ વસ્તુઓ હાથવગી રાખવી. ખેતરમાં રહેલ ઘાસચારા ના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકી ને રાખવા. ફળ પાકો અને શાકભાજી ઉતારી ને બજારમાં વરસાદ પહેલા જ પહોંચાડવા. બાગાયતી ફળ પાકોમાં વાવાઝોડા સામે રક્ષણ માટે ટેકા મુકવા તથા મોટા ઝાડ હોય અને જોખમી હોય તો તેનુ કટિંગ કરવુ. રાસાયણિક ખાત્ર કે નવુ ખરીદેલ બિયારણ પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉન માં રાખવું. એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકી ને રાખવા. એપીએમસી માં અન્ય જગ્યા એ વેંચાણ અર્થે અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકી ને જ લઇ જવી. વાવાઝોડા, ભારે પવન તથા વરસાદના સંજોગો માં પશુઓને યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા. પશુઓના શેડ ઉપર ના પતરા વગેરે ઉડી ના જાય તે મુજબ ફિટિંગ કરવા અને ઉપર વજન મુકવુ તથા આવા શેડ ઉપર જોખમી ચીજવસ્તુઓ હોય તો ઉતારી લેવી. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. વઘુ વરસાદની પરિસ્થિતિમાં ઘાસચારા નો યોગ્ય સંગ્રહ કરવો તેમજ જાળવણી માટે તાડપત્રી નો ઉપયોગ કરવો તથા પશુઓના નિભાવ માટે વૈકલ્પિક આહાર યોજના, પશુઓને પીવાના પાણી જેવા મુદાઓ પર ખાસ ધ્યાન આપવું. વરસાદ કે પવન ની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી. કચ્છ જિલ્લાના ખેડૂતોને તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો નિવારવા માટે આ તકેદારી રાખવા જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયતકચ્છ–ભુજ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.