વાર્ષિક સામાન્ય સભા બોલાવ્યા વિના સહકારી મંડળીઓને નફાની ફાળવણી માટે કામચલાઉ મંજુરી

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૬૬ (૨) મુજબ સહકારી મંડળીઓ નફાના કોઇ ભાગનો વિનિયોગ વાર્ષિક સાધારણ સભાની મંજુરી સિવાય અને અધિનિયમ, નિયમો અને ઉપ- નિયમોને અનુરૂપ હોય તે સિવાય કરી શકતી નથી. સદરહુ જોગવાઈને કારણે સહકારી મંડળીઓ સાધારણ સભાની મંજુરી વિના તેના સભાસદોને ડીવીડન્ડ વહેંચી શકતી નથી કે સહકારી સંભા સાથે જોડાયેલા સભાસદોને વળતરની રકમ ચુકવી શકતી નથી.

કોવિડ-૧૯ની પરિસ્થિતિના કારણે લોકો જ્યારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે સહકારી મંડળીના સભાસદોને તેમના નાણાકીય હક્કો સમયસર મળે તે જરૂરી છે. આથી સહકારી મંડળીઓ વાર્ષિક સાધારણ સભાની મંજુરી વિના પણ તેમના સભાસદોને મળવાપાત્ર ડીવીડન્ડ વળતર જેવા નાંણાકીય લાભો આપી શકે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તા. ૩૦/૭/૨૦૨૧ના જાહેરનામું બહાર પાડી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૬૬(૨) ની જોગવાઈમાંથી તમામ સહકારી મંડળીઓને કામચલાઉ મુક્તિ આપેલ છે. સહકારી મંડળીઓ, વ્યવસ્થાપક કમીટીની મંજુરીથી આગામી વાર્ષિક સાધારણ સભાની બહાલી મેળવવાની શરતે નફાનો વિનિયોગ કરી શકે છે તેવું જિલ્લા રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓ,ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.