વાયોરમાં તસ્કરોનો તરખાટ : ૧૩ દુકાનોના તાળા તૂટ્યા

કોઈ મોટી માલમતા નહી જતા વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું : પોલીસે ચોર  શખ્સોને ઝડપી પાડવા તપાસ આદરી

નલિયા : અબડાસા તાલુકાના વાયોર ખાતે તસ્કરોએ સામુહિક આક્રમણ કર્યું હતું. એક સાથે ૧૩ દુકાનોના તાળા તોડી તસ્કરી કરી જતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના વાયોરને તસ્કરોએ બાનમાં લીધું હતું.
રાત વચ્ચે એક સાથે ૧૩ દુકાનોના તાળા તોડ્યા હતા. મોટાભાગની દુકાનોમાં અનાજ-રસકસ અને કરિયાણાની હોવાની તસ્કરોને પરચુરણ સિવાય કંઈ હાથ લાગ્યું ન હતું. મીઠાઈ-ફરસાણાની દુકાનમાંથી નિશાચરો બે કિલો પેંડા ખાઈ ગયા હતા. અમુક દુકાનોમાંથી ખાંડ-ચાની ભૂકી, પેટ્રોલ ચોરી ગયા હતા. ચોરીમાં મોટી માલમતા નહી જતા વેપારીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ બાબતે વાયોર પોલીસ મથકનો સંપર્ક સાધતા ચોરીના બનાવને સમર્થન આપ્યું હતું. પરંતુ વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને આવા બનાવો ફરીથી ના બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારીને આવા લેભાગુ તત્વોને ઝડપી પાડવા માંગ કરી હતી. ૧૩ દુકાનોના તાળા તૂટતા વેપારી આલમમાં ફફડાટ મચી જવા પામી હતી.