વાપીના વરસાદમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેન ચાર કલાક અટકાઈ : સયાજી કલાક લેટ

ભુજ : ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદની રિ-એન્ટ્રીની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત સાંજે વાપી અને વલસાડમાં ૬ કલાકમાં ૧ર ઈંચ જેટલો વરસાદ થવાના કારણે મુંબઈથી અમદાવાદ તરફ આવતી મોટાભાગની ટ્રેનો અટવાઈ ગઈ હતી. જેથી કચ્છ આવતી કચ્છ એક્સપ્રેસ અને સાયાજી એક્સપ્રેસ ટ્રેન લેટ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કચ્છ એકસપ્રેસ ટ્રેનનો ભુજ પહોચવાનો સમય ૯ વાગ્યાનો છે, પરંતુ વરસાદના કારણે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં ભુજ પહોંચી હતી. તો સાયાજી એક્સપ્રેસ ટ્રેન પણ સમય કરતા એક કલાક લેટ પહોચી હોવાનું ભુજ રેવલે મથકના સ્ટેશનમાસ્તર કે.કે. શર્માએ જણાવ્યું હતું. તો સાંજે મુંબઈ તરફ જતી ટ્રેનો સમયસર જશે તેવું પણ ઉમેર્યું હતું. પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી સમયમાં પણ કચ્છ સહિત ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. તેવી ફરી એકવાર ટ્રેન વ્યવહાર ઠપ્પ થાય તેવી શકયતાઓ છે.