વાપીના ચાણોદમાં મંદિરમાંથી ચોર દાનપેટી ચોરી જતાં ચકચાર મચી

(જી.એન.એસ.)વાપી,વલસાડ જિલ્લામાં બેફામ બનેલી ચોર અને તસ્કર ટોળકીઓ હવે ભગવાનને પણ છોડતા નથી. વાપીના ચણોદ વિસ્તારમાં એક મંદિરમાંથી એક ચોર મંદિરની આખે આખી દાનપેટી જ ઉઠાવી અને ફરાર થઈ જાય છે. મંદિરમાં દાનપેટીની ચોરીનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.બનાવની વિગતે વાત કરીએ તો, વાપીના ચલા વિસ્તારમાં સેલવાસ રોડ પર આવેલા ઈચ્છાપૂર્તિ હનુમાન મંદિરમાં મોડી રાત્રે એક તસ્કર બિલ્લી પગે મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં પ્રવેશ કરી આ તસ્કર ભગવાનની સામે રાખેલી આખેઆખી દાન પેટીને ઉઠાવી અને પળવારમાં જ રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે.મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આસપાસના લોકો મંદિર પર એકઠા થયા હતા. મહત્વપૂર્ણ છે કે, આ મંદિરમાં અનેક લોકોની આસ્થા છે. ત્યારે તસ્કરે મંદિરને નિશાન બનાવતા હનુમાન ભક્તોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. મંદિરમાં થયેલી દાન પેટીની ચોરીની ઘટના નો સીસીટીવી વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ વલસાડ જિલ્લાના કેટલાક મંદિરોમાં ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. કેટલાક મંદિરોમાં દાન પેટી પણ ઉઠાવી અને તસ્કરો ફરાર થઈ ગયા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂકયા છે. ત્યારે ફરી એક વખત વાપીના ચણોદ વિસ્તારમાં ઈચ્છાપૂર્તિ હનુમાન મંદિરમાંથી તસ્કર આખેઆખી દાનપેટી ઉઠાવીને ફરાર થઈ જવાની આ ઘટનાને કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જોકે, દાનપેટીમાં કેટલા રૂપિયા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ મંદિરમાં ચોરી કરનાર આરોપીને ઝડપવા માંગ ઉગ્ર બની રહી છે.