વાડાપધ્ધર હત્યા કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજુર

નવા વર્ષના વાડીમાં ખાવા-પીવાની પાર્ટી દરમ્યાન શાક ઢોળાવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ વૃદ્ધની કરી હતી હત્યા : કેન્સરની બીમારીની સારવાર માટે માગ્યા હતા જામીન

ભુજ : અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે થયેલ હત્યામાં જેલમાં ગયેલા મુખ્ય સુત્રધારે જામીન ઉપર છુટવા અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૦/૧૦/૧૭ના વાડાપધ્ધર ગામે એક વાડીમાં ખાવા-પીવા માટેની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જમણવાર દરમ્યાન ખીરસરા કોઠારાના રાણુભા કેસુભા જાડેજા (ઉ.વ.૬૦)થી થાળીમાંથી બળુભા કાયાજી જાડેજા ઉપર શાક ઢોળાતા તે બાબતે બોલાચાલી થતા બળુભાએ પોતાના દિકરાઓને બોલાવી રાણુભા તથા અલુભા ઉપર કુહાડીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતા ત્રણેય સામે ગુન્હો નોંધાયેલ અને રાણુભા જાડેજાનું સારવાર દરમ્યાન ૧૩/૧૧ના મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જખૌ પીએસઆઈ એમ.કે. વાઘેલાએ આરોપીઓ બળવંતસિંહ ઉર્ફે બળુભા કાયાજી જાડેજા તથા તેના પુત્રો વિક્રમસિંહ અને લાધુભાની તા.૧૮/૧૧/૧૭ના ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાલારા જેલમાં મોકલી આપ્યા હતા. હત્યા કેસના સૂત્રધાર બળવંતસિંહ ઉર્ફે બળુભા કાયાજી જાડેજાએ પોતાને કેન્સરની બીમારી હોઈ અને બીમારીની દવા લેવા માટે છ માસ માટે જામીન મળવા અરજી કરેલ જે ગઈકાલે ભુજ અધિક સેસન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દિનેશભાઈ ઠક્કરે દલીલો કરતા ગુન્હાની ગંભીરતા જાઈ ન્યાયાધિશે જામીન અરજી નામંજુર કરી હતી.