વાડાપધ્ધરમાં થયેલ મારામારીમાં વૃદ્ધનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

નવા વર્ષના વાડીમાં યોજાયેલ જમવાની પાર્ટીમાં શાક ઢોળાતા મામલો બિચકયો હતો : ત્રણ શખ્સોએ મારક હથિયારોથી હુમલો કરતા બે વ્યકિતઓ ગંભીર રીતે ઘવાયા હતા : આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

નલિયા : અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે એક વાડીમાં યોજાયેલ જમવાની પાર્ટીમાં શાક ઢોળાવા જેવી નજીવી બાબતે મામલો બિચકતા લોહિયાળ ધિંગાણુ ખેલાયું હતું અને મારક હથિયારોથી હુમલો કરાતા બે વ્યકિતઓ ગંભીર રીતે ઘવાયેલ જે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૦/૧૦/૧૭નું નવા વર્ષના દિવસે વાડાપધ્ધર ગામના દિલીપસિંહ ટપુભા જાડેજાની વાડીમાં ખાવા પીવાનું આયોજન કરાયું હતું જેમાં અલુભા દાજીભા જાડેજા (ઉ.વ.પ૦) (રહે. ખીરસરા (કોઠારા) તથા રાણુભા કેસુભા જાડેજા (ઉ.વ.૬૦) (રહે. વરાડીયા તા. અબડાસા) પણ સામેલ થયા હતા. બપોરના બે વાગ્યે રાણુભા જાડેજા પાસેની ડીસમાંથી બળુભા કાયાજી જાડેજા ઉપર શાક ઢોળાઈ જતા બોલાચાલી થયેલ અને બળુભા કાયાજી જાડેજા (રહે. વાંકુ તા.અબડાસા)એ પોતાના દિકરાઓ વિક્રમસિંહ બળુભા જાડેજા તથા લાઘુભા બળુભા જાડેજા તેડી આવી કુહાડીઓ વડે અલુભા જાડેજા તથા રાણુભા જાડેજા ઉપર હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા ગંભીર રીતે ઘવાયેલા બન્ને ને ભુજ જીકેમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જખૌ પોલીસે અલુભા દાજીભા જાડેજાની ફરિયાદ પરથી ત્રણેય આરોપી પિતા-પુત્રો સામે હત્યાના પ્રયાસની કલમો તળે ગુન્હો નોંધ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાણુભા કેશુભા જાડેજા (ઉ.વ.૬૦)ને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન રાણુભા જાડેજાનું ગઈકાલે સવારે મોત થતા ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦રની કલમનો ઉમેરા થવા કોર્ટને રિપોર્ટ કરી આરોપીઓને ઝડપી પાડવા પીએસઆઈ એમ.કે. વાઘેલાએ ચક્રો ગતિમાન કરેલાનું પીએસઓ ધેવરચંદ મોરીયાએ જણાવ્યું હતું.