વાગડ ફોલ્ટલાઈન ફરી બે તીવ્ર આંચકાઓથી ધ્રુજી

ભુજ : રાપરનાં ૧૩ કિલો મીટરનાં અંતરે ૩.૩ની તીવ્રતાનાં ભૂકંપને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ ભચાઉથી ૧૫ કિલોમીટરનાં અંતરે ૨.૯ની તીવ્રતાનાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છની વિવિધ ફોલ્ટ લાઈન પૈકી વાગડ ફોલ્ટલાઈન અવારનવાર સક્રિય થવાને કારણે વાગડ વિસ્તારમાં આંચકાઓ અનુભવાય છે. તેવામાં વધુ એક વખત ભૂકંપના બે આંચકાથી વાગડ ફૉલ્ટલાઈન ધ્રુજી ઉઠી હતી.
ગાંધીનગર સ્થિત ગુજરાત સિસ્મોલોજીની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે સાડા દસ વાગ્યાનાં અરસામાં રાપરના બાદરગઢ નજીક ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૩ કિલોમીટર દૂર બાદરગઢ નજીક નોંધાયું હતું. તો આ તરફ આજે સવારે નવેક વાગ્યાનાં અરસામાં ભચાઉથી ૧૫ કિલોમીટરનાં અંતરે ઘરાણા નજીક ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં થોડાંક માસથી વાગડ ફૉલ્ટલાઈનમાં ભૂગર્ભ હિલચાલનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હડવા-ભારે આંચકાઓ સતત અનુભવાઈ રહ્યા છે.