વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટ અને કચ્છ મેઈન લાઈનનું સંગમ હોવાથી અવાર નવાર આવે છે ભૂકંપ

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છમાં ૬ ફોલ્ટલાઈનોના સંશોધન માટે અપાયેલા ૮ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સોંપાયો રિપોર્ટ :અવાર નવાર આવતા ભૂકંપના આંચકા અટકાવી ન શકાય, પરંતુ લોકોએ ટેવાવું પડશે

ભુજ : કચ્છ જિલ્લામાં દરરોજ ભૂકંપના આંચકા આવતા હોય છે. વર્ષ ર૦૦૧માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે. કારણ કે, દિવસ ઉગેને દરરોજ બેથી ત્રણની તીવ્રતાનો આંચકો રોજિંદી ગયો છે, તો પખવાડિયા – મહિને ૩ થી ૪ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. આ પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકીએ નહીં, પરંતુ ભૂકંપથી થતી નુકસાની અટકાવી શકાય છે, જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.વર્ષ ર૦૦૧માં ભૂકંપ આવ્યા બાદ કચ્છમાં કંપનનો દોર યથાવત રહેતા વર્ષ ર૦૧પમાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચના અપાઈ હતી. કચ્છમાં ભૂકંપની ૬ ફોલ્ટલાઈન આવેલી છે. આ લાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા ૮ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યા હતા, જેનું સમાપન આ વર્ષે થયું છે. ખાસ તો કઈ ફોલ્ટલાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કરાયો હતો. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગના વડા ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ભૂકંપ અંગે છેલ્લા ૬ વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે તે બાબતે કહ્યું કે, વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે. ખાસ તો આ વિસ્તારમાં જ્યાંથી ફોલ્ટલાઈન પસાર થાય છે તે ફોલ્ટલાઈન આપણે બંધ કરી શકીએ નહીં. કારણ કે, આ કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકીએ તેમ છે. મોટે ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ર૦૦૧ના ધરતીકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જે-તે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો, જેના કારણે ૬ મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા ૭પ કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી, જેની નુકસાની આજપર્યંત યથાવત રહેતા આ વિસ્તારમાં આંચકા આવતા હોય છે. આ નુકસાની હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી તેમજ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી લાંબુ ભંગાણ થયું છે, જેથી ભૂકંપના નવા આંચકા આ વિસ્તારમાં નોંધાવા સામાન્ય બાબત છે.