જિલ્લા મથક ભુજમાં ચૈત્ર માસે ભાદરવાના ભુસાકાનો તાલ

ભુજ : કચ્છમાં હવામાન ખાતાની આગાહી મુજબ છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 10-12 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તેમજ કરા સાથે ઝાપટા વરસી રહ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થાય છે. ત્યારે જિલ્લા મથક ભુજમાં ચૈત્ર માસમાં પણ ભાદરવાના ભુસાકા જેવો તાલ જોવા મળ્યો હતો. ભુજના સ્ટેશન રોડ, આરટીઓ વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં છાંટા થયા હતા. તો કેટલાક વિસ્તારો કોરા ધાકડ રહ્યા હતા. જો કે ભુજમાં સર્વત્ર વાદળછાયો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અંજાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવનના ભારે સુસવાટા અને ગાજવીજ સાથે માવઠુ થયું હતું. અંજારમાં થયેલા વરસાદને કારણે માર્ગો ભીંજાયા હતા. તો અમુક વિસ્તારોમાં પાણી પણ વહી નિકળ્યા હતા. જ્યારે આ તરફ કચ્છના વાગડ વિસ્તારમાં ચોબારી, મનફરા, કણખોઈ, ખેંગારપર વિસ્તારમાં ભયંકર ગાજવીજ સાથે કરારૂપી માવઠું વરસ્યું હતું. તો ક્યાંક ધોધમાર વરસાદ થતા પાણી વહી નિકળ્યા હતા. તો રાપર શહેર અને આજુબાજુના ગામડાઓમાં ગાજવીજ સાથે કરા પડ્યા હતા. અડધો કલાક સુધી ગાજવીજ સાથે અને પવનના સુસવાટા સાથે વરસાદ થયો હતો. વરસાદને કારણે શહેરના માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. રાપર ઉપરાંત નંદાસર, રવ, નીલપર, કલ્યાણપર સહિતના ગામોમાં ઝાપટા પડ્યા હતા. બદલાયેલા હવામાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં વરસતા ઝાપટાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ભચાઉ તાલુકાના કડોલ, ચોબારી, મનફરા ગામે છેલ્લા બે દિવસથી ભરઉનાળે ચૈત્ર માસમાં પણ શ્રાવણીયો તાલ સર્જાતા વરસાદને કારણે એરંડાના પાકને વ્યાપક નુકશાનીની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ખેડૂતોના ખેતરમાં કાપેલા એરંડા વરસાદને કારણે નષ્ટ પામ્યા હોવાનું અનેક ગામોના ખેડૂતોએ જણાવ્યુ હતું. એક તરફ કોરોનાના કહેર અને બીજી તરફ માવઠાના મારને કારણે ખેડૂતોની દશા બેઠી છે.

ભચાઉના ચોબારીમાં બે મકાનો પર પડી વિજળી

ભચાઉ : વાગડ પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદની સાથે ભચાઉના ચોબારી ગામે બે મકાનો પર વિજળી પડી હતી. સદનસીબે વિજપાતની ઘટનામાં કોઈ જાનહાનિ કે લોકોને ઈજાઓ પહોંચી ન હતી. વિજળી પડવાને કારણે ઈલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતા. તો મકાનમાં સામાન્ય નુકશાની થઈ હતી.