વાઈબ્રન્ટ સમીટમાં અધધ રોકાણ માટે સરકાર હરકતમાં

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ માટે તડામાર તૈયારી શરૂ કરી દેવાની સાથે છેલ્લા ૩ સમિટ દરમિયાન ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરાયું હોય તેવા લાર્જ પ્રોજેક્ટની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠક શરૂ કરવામાં આવી છે. જેમાં ઉદ્યોગકાર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંગ કરવામાં આવે છે અને પ્રોજેક્ટ શરૂ ન થયો હોય તો સરકારી નીતિ-નિયમને લગતી કઇ બાબતની મુશ્કેલી નડી રહી હોય તે જાણીને તેનો ઉકેલ લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૫૦ જેટલા પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરાયા બાદ અનેક પ્રોજેક્ટમાં કામકાજ શરૂ થવા પામ્યું છે. ઉદ્યોગ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યામુજબ વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ યોજાય તે પહેલા અગાઉના સમિટનું મહત્તમ રોકાણ દેખાય તે માટે સરકારે ગંભીરતાથી પ્રયાસ હાથ ધર્યા છે. આ માટે એમઓયુ થયા હોય તે કંપનીના કર્તાહર્તા કે ઉદ્યોગકારને સરકાર દ્વારા સામેથી સંપર્ક કરવામાં આવે છે. જેમાં તેમનો પ્રોજેક્ટ કયા સ્ટેજ પર છે અને જો સૂચિત રોકાણ કર્યું નથી તો કઇ મુશ્કેલી છે તેની જાણકારી મેળવવામાં આવે છે.
ઉદ્યોગપતિ કે કંપનીના પદાધિકારીઓ દ્વારા સરકારને લગતા વીજળી જોડાણ, જમીન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રસ્તા કે સરકારી વિભાગને લગતી અન્ય કોઇ મંજૂરીના પ્રશ્નો હોય તો મીટિંગમાં જે તે વિભાગના સચિવ-અધિકારીઓને ઉપસ્થિત રાખીને તેમની હાજરીમાં જ પ્રશ્નનો નિકાલ લાવવાનું શરૂ કરાયું છે. જે પ્રશ્ન ઉકેલવામાં સમય લાગે તેમ હોય તેનો પછીની મીટિંગમાં પણ રિવ્યૂ કરાય છે. કેન્દ્ર સરકારને લગતા કોઇ મુદ્દા હોય તો તે માટે પણ રાજયના અધિકારીઓને સંકલન કરવા કહેવામાં આવે છે. એગ્રો, કેમિકલ, ફાર્મા, એજ્યુકેશન, ટુરિઝમ અને પાવર સહિતના ૨૦ સેકટરમાં ૫૦૦ કરોડથી ઉપરના મોટા રોકાણ માટેના જે એમઓયુ થયા હતા. તેમાંથી ૧૫૦ પ્રોજેક્ટની સમીક્ષા સીએમ રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જેના કારણે ૩ વાઇબ્રન્ટ સમિટ ૫૦૦ કરોડથી વધુના રોકાણવાળા ૧૭૦ જેટલા પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. ઉદ્યોગ વિભાગ દ્વારા ઇન્વેસ્ટર ફેસિલીટેશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તેમાં કોઇપણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે કયા સરકારી લાયસન્સ જોઇશે તેની વિગતો આપવામાં આવી છે. તે માટે જો કોઇ પૃચ્છા કરે તો તેનો પણ જે તે વિભાગને જ સીધી ઇન્કવાયરી મળે અને ઉકેલ આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..