વહિવટીતંત્ર પ્રજાને પીડતા પ્રશ્નો ઘટાડવાની દિશામાં કટીબધ્ધ બને

અંજાર નગરપાલિકા સેવા સેતુ કાર્યક્રમનો રાજયમંત્રી વાસણભાઈએ કરાવ્યો પ્રારંભ : નગર પાલિકામાં વોર્ડ નં.૧ થી ૩ના રહેવાસીઓના પ્રશ્નોના નિકાલ માટે કરાયું આયોજન

 

અંજાર : લોકોના વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણ માટે હકારાત્મક અભિગમ રાખી દિન-પ્રતિદિન પ્રજાને પીડતા પ્રશ્નો ઓછા થાય એ દિશામાં તંત્ર કટીબધ્ધ બને તેવો અનુરોધ અંજાર નગરપાલિકા વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે કર્યો હતો.
નગરપાલિકા કચેરી સભાખંડ ખાતે રાજય સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર નિકાલ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૧થી ૩ના રહેવાસીઓના વ્યક્તિલક્ષી પ્રશ્નોના નિકાલ માટેના કાર્યક્રમ પ્રસંગે શ્રી આહિરે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે લોકોના ઘરઆંગણે જઇને તેમનાં પ્રશ્નોનો નિકાલ કરવાનો નવો અભિગમ અપનાવ્યો છે, ત્યારે જનતાના દુખઃદર્દમાં સહભાગી થવા તેમણે હાકલ કરી હતી. પ્રજાને પરિણામમાં રસ હોય છે. કામ નહીં પતે તો પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે. પ્રજાનો મજબૂત વિશ્વાસ કેળવવા તંત્રની સાથે પદાધિકારીઓને પણ અંજાર શહેર નગરપાલિકાને શોભે તેવા કામો કરી પ્રજાના સુખે-સુખી અને દુઃખે-દુઃખી પરમાર્થની સેવાનો મંત્ર સાર્થક કરવા તેમણે આહ્‌વાન કર્યું હતું. આ પ્રસંગે બહેનોને હેન્ડ એમ્બ્રોડરી કોર્ષના સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા.
પ્રારંભે નગરપાલિકા પ્રમુખ રાજેશભાઈ ઠકકરે ગુજરાત સરકારના પારદર્શક વહીવટ અંતર્ગત ઘરઆંગણે લોકોના પ્રશ્નોના નિકાલની રાજય સરકારની નેમ છે તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી કચ્છના ગ્રામ્ય-શહેરી વિસ્તારના સેવા સેતુ રાઉન્ડ-૪ હેઠળ પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો નિવેડો લાવવા એક જ સ્થળે બધી સેવાઓ આપી લોકોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા રાજય સરકારનો હેતુ સુપેરે પાર પાડવા નિર્દેશ આપ્યો હતો. ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતાં અલગ-અલગ કચેરીના ધક્કા બચે તે સાથે કોઇ સાચો લાભાર્થી સેવાથી વંચિત ન રહી જાય તે હોવાનું જણાવ્યું હતું. શાસકપક્ષના નેતા ડેનીભાઈ શાહે આભારદર્શન જયારે કાર્યક્રમનું સંચાલન હેડકલાર્ક ખીમજીભાઈ સિંધવે કર્યું હતું. નગરપાલિકાના ઉપાધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ખાંડેકા, કારોબારી ચેરમેન કેશુભાઈ સોરઠીયા,
પૂર્વાધ્યક્ષ પુષ્પાબેન ટાંક, શહેર પ્રમુખ સંજય દાવડા, લવજીભાઈ સોરઠીયા, વસંતભાઈ કોડરાણી, સામજીભાઈ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અંજારના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.