વવાર સીમમાંથી દેશી દારૂની ફેકટરી ઝડપી પાડતુ આરઆર સેલ

તૈયાર દેશી દારૂ તથા આથો મળી ૧૧ હજારનો મુદ્દામાલ કરાયો હસ્તગત : દરોડા દરમ્યાન ભઠ્ઠીના સંચાલક થઈ ગયા ફરાર

મુન્દ્રા : તાલુકાના વવાર ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર આરઆર સેલે છાપો મારી ૧૧ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન સંચાલકો નાસી છુટ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલની સુચનાથી આરઆર સેલના પીએસઆઈ એ.આર. રબારી તથા સ્ટાફના જેન્તીલાલ વાઘેલા, જગદીશસિંહ સરવૈયા, દિનેશભાઈ ભઠ્ઠી, મજીદભાઈ સમા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે વવાર ગામની સીમમાં છાપો મારી ર૯૦ લિટર તૈયાર દેશી દારૂ કિં.રૂા.પ૮૦૦ તથા ર૪૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી ૧૧,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન વવાર ગામના રામ આલા ગઢવી તથા ખેડોઈના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજા હાજર નહી મળેલ જ્યારે બે અજાણ્યા ઈસમો નાસી જતા ચારેય સામે મુન્દ્રા મરીન પોલીસ મથકે સહાયક ફોજદાર નરેન્દ્રસિંહ જાડેજાએ ફોજદારી નોંધાવી હતી.