વલસાડમાં મહિલાએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી

(જી.એન.એસ.)વલસાડ,વલસાડ જિલ્લાના અતુલ નજીક આવેલો પાર નદીનો પુલ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો રહ્યો છે. આજે એક મહિલાએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી અને વલસાડ રૂરલ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે વલસાડના અતુલ નજીકથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પાર નદી નો પુલ આવે છે, પુલની નીચેથી પાર નદી પસાર થાય છે જેમાં બારે મહિના પાણી વહેતું હોય છે..આથી અત્યાર સુધી અનેક લોકોએ પુલ પરથી નદીમાં ઝંપલાવી મોતની છલાંગ લગાવી છે.બે દિવસ અગાઉ માત્ર ૨૨ વર્ષ ના એક યુવકે મોત ની છલાંગ લગાવી હતી આમ અવાર નવાર બનતા આવા બનાવો કે લઈ ને લાગી રહ્યું છે કે પાર નદી નો આ પુલ જાણે સુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે. વર્ષમાં અસંખ્ય લોકો આ પુલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવે છે.દર વખતે નદી કિનારે આવેલા ચંદ્રપુર ગામના લાઇફ સેવિગ ગ્રુપના તરવૈયાઓ મદદે આવે છે અને ડૂબતા લોકોને બચાવે છે, જોકે અનેક વખત કમનસીબે સમયસર મદદ નહીં મળી રહેતી હોવાથી અનેક લોકો ના મોત પણ થઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક વખત પાર નદીના પુલ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી.ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ચંદ્રપુરના લાઇફ સેવિંગ ગ્રુપના તરવૈયાઓની મદદથી એક કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.