વલસાડમાં ગૌસ્કરો બેફામઃ સ્કોર્પિયો કારમાં ગૌવંશની તસ્કરી, સીસીટીવીમાં કેદ

(જી.એન.એસ.)વલસાડ,વલસાડ જિલ્લામાં વધુ એકવાર જાહેરમાર્ગો પરથી ગૌવંશની તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રિએ વલસાડના વાપી સેલવાસ રોડ પરથી ગૌવંશની તસ્કરીનો બનાવ નોંધાયો છે. સ્કોર્પિયો કારમાં આવેલા ગૌ-તસ્કરોએ કરેલી ગૌવંશની તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં વાપી સેલવાસ રોડ ઉપર આવેલ ગૌવંશના તબેલામાં ગૌ-તસ્કરો કાર લઈને ત્રાટકયા હતા. તબેલો સાચવવા મુકેલ રખેવાળની પણ ચિંતા કર્યા વગર ગૌ-તસ્કરો દ્વારા ગૌવંશની તસ્કરી કરવામા આવી હતી. એક ગૌવંશને કાળા કલરની કારમાં તસ્કરી કરી જવામાં સફળતા પણ મળી હતી. બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગૌ તસ્કરોને ઝડપી પાડવા એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ ચક્રો ગતિમાન કર્યા છે.વલસાડ જિલ્લામાં ગૌ-તસ્કરી સદંતર બંધ કરવા વલસાડ પોલીસે કામગીરી હાથ ધરી છે. ધરમપુરથી ગૌ-તસ્કરી કરી રહેલા લોકોને ઝડપી પાડવા એક ગૌરક્ષકે જીવ ગુમાવ્યો હતો. વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં મહારાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાંથી ગણતરીના કલાકોમાં ગૌ-તસ્કરોને ઝડપી પાડયા હતા. તેમ છતાં ગૌ-તસ્કરીની ઘટનાઓ બની રહી છે.