વરિષ્ઠ પત્રકાર અને આપમાં જાેડાયેલા નેતા ઈશુદાન ગઢવી કચ્છની લેશે ત્રિદિવસીય મુલાકાત

જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને વિસ્તારવા આપના નેતાઓ કરશે કવાયત : આગામી ચૂંટણીને લઈને કાર્યકરોમાં નવસંચાર ફુંકવા માટે પ્રયાસ

ભુજ : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત લઈને ગુજરાતીઓને આપનો નવો વિકલ્પ આપવા પ્રયાસ કર્યો છે. તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાઈ હતી, જેમાં વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી સાથે જાેડાણ કર્યું છે ત્યારે ઈશુદાન ગઢવી આગામી સંભવતઃ ર૮મી તારીખથી કચ્છમાં ત્રિદિવસીય મુલાકાતે આવી રહ્યા છે.  આ અંગેની વિગતો મુજબ આપના નેતા ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ કચ્છમાં આવી રહ્યા છે. સંભવતઃ ર૮મી જૂને ઈશુદાન ગઢવી કચ્છની મુલાકાતે આવશે. આ અંગે કચ્છના આપના નેતા ડૉ. નેહલ વૈદ્યે ઉમેર્યું હતું કે, તેઓ ત્રણ દિવસ માટે કચ્છની મુલાકાત લેશે. તેમના આગમનની તારીખમાં થોડો ફેરફાર થઈ શકે તેમ છે, પરંતુ કચ્છમાં આવીને આમ આદમી પાર્ટીના સંગઠનનો વિસ્તાર વધારવાના પ્રયાસો હાથ ધરાશે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં મરી પરવારી છે ત્યારે લોકોને મજબૂત વિકલ્પ આપવા માટે આપ મેદાને આવ્યું છે. ત્રિદિવસીય મુલાકાતમાં નવા લોકોને આમ આદમી પાર્ટી સાથે જાેડવાના પ્રયાસો ઉપરાંત કોરોના પિડીતોની મુલાકાત લેવામાં આવશે તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે પ્રદેશ નેતાઓ કચ્છની મુલાકાતે આવતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.