વરસામેડી સીમમાં છરીની અણીએ યુવાન લૂંટાયો

અંજાર : તાલુકાના વરસામેડી સીમમાં છરીની અણીએ લૂંટ ચલાવનાર શખ્સોને પોલીસે ધરબોચી લીધાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ તુષારભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ.ર૮) (રહે. વરસામેડી તા.અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે લૂંટનો બનાવ ગત તા.ર૬/૩/૧૮ના બપોરના ૧રથી ૧રઃ૩૦ના અરસામાં બનવા પામ્યો હતો. તેઓ વેલસ્પન કોલો નિકળી કાચા રસ્તેથી જતા હતા ત્યારે ૧૬થી ર૮ વર્ષના બે અજાણ્યા શખ્સો એક્ટીવાથી આવી છરી બતાવી તેઓના હાથમાં રહેલ ઓપો કંપનીનો મોબાઈલ કિં.રૂા. ૭૦૦૦ની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. એક શખ્સે પીળા કલરનું જ્યારે બીજાએ કાળા કલરનું શર્ટ પહેરેલ હતું. અંજાર પોલીસે લૂંટનો ગુન્હો નોંધી મોબાઈલ ટ્રેસ કરી લૂંટના બનાવને અંજામ આપનાર બે શખ્સોને રાઉન્ડઅપ કરી પીએસઆઈ પી.કે. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર ધરપકડ કરેલ ન હોઈ આરોપીઓના નામો જાણી શકાયેલ નથી.