વરસામેડીમાં લોહિયાળ ધિંગાણું : ચાર ઘવાયા

જમીન મુદ્દે મામલો બિચક્યોઃ ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડાયા : બન્ને પક્ષે સામ-સામે નોંધાઈ ફોજદારી

 

અંજાર : તાલુકાના વરસામેડી ગામે એક જ પરિવારના બે જુથો વચ્ચે જમીન મુદ્દે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. મારક હથિયારો વડે મારામારી થતા બન્ને પક્ષના ચાર વ્યક્તિઓ ઘવાયા હતા તો પોલીસે બન્ને પક્ષે સામસામી ફોજદારી નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દેવાભાઈ નારાણભાઈ રબારી (ઉ.વ.૬પ) (રહે. વરસામેડી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, આરોપીઓ જગા પચાણ રબારી, મોહન પચાણ રબારી, સામત સુજા રબારી, વીહા સુજા રબારી, ગોવા સુજા રબારી, સાજણ કરણા રબારીએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનાો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે મારક હથિયારો ધારણ કરી તેઓના પિતાશ્રીએ ર૦૦પમાં કરશન લખમણ રબારી પાસેથી વરસામેડી સીમની ર.પ એકર જમીન વેચાણ રાખેલ હતી અને તે જમીનનો કબજો હાલે લાખા નારાણ પાસે હોઈ જમીનની વારસાઈ નોંધ કરાવવા આરોપી જગા પચાણે વરસામેડીના કરશન લખમણના પૌત્ર જીવા દેવા રબારી પાસે ખોટી વાંધા અરજીઓ કરાવી જગા પચાણે પૈસા પડાવવા માટે ખોટી રીતે ધાક ધમકીઓ કરી તેઓ તથા દેવા નારાણ રબારી (ઉ.વ.૬પ), ધના નારાણ રબારી (ઉ.વ.પપ), સાજણ કરણા રબારી (ઉ.વ.૬૦)ને લોખંડના પાઈપ, ધોકાઓ વડે માર મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તો પ્રતિ ફરિયાદમાં સામત સુજા રબારી (ઉ.વ.૬પ) (રહે. વરસામેડી)એ આરોપીઓ લાખા નારાણ રબારી, ધના નારાણ રબારી, દેવા નારાણ રબારી, સકુ જીવા રબારી, રૂપા નારાણ રબારીએ જમીન બાબતે લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે તેઓને માર મારી ઈજાઓ પહોંચાડતા અંજાર પોલીસે બન્ને પક્ષે સામ સામે રાયોટીંગની કલમો તળે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે પીએસઆઈ જે. જે. જાડેજાએ ચક્રો ગતિમાન કરેલ છે.