વરસામેડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

એલસીબીએ આઠ ખેલીઓને ૧.ર૪ લાખની રોકડ સાથે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા : શ્રાવણ પૂર્વે ઠેક ઠેકાણે જુગારની કલબો ધમધમી ઉઠ્યાની ચર્ચા

 

ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીની ટીમે અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલ બાગેશ્રીનગર પાછળ ચાલતી જુગાર કલબ પર છાપો મારી આઠ ખેલીઓને ૧,ર૪,૦૦૦ની રોકડ સાથે ઝડપી પાડતા સ્થાનિક પોલીસમાં હડકંપ મચી જવા પામી હતી.
પોલીસ સુત્રોમાંથી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. જે. પી. જાડેજાને હકિકત મળેલ કે, વરસામેડી સીમ બાગેશ્રીનગર-૧, મકાન નં. ૧૧૧માં રહેતા મુળ કાઠડા તા. માંડવીના હુસેન અબ્દુલ મંધરા પોતાના મકાન પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડતો હોવાની પૂર્વ બાતમી આધારે એલસીબી સ્ટાફે આ સ્થળે છાપો માર્યો હતો અને તીનપતી વડે રૂપિયા – પૈસાની હારજીતનો જુગાર રમતા સાદીક ઈબલા સમેજા (ઉ.વ.૩ર), હુસેન અબ્દુલ મંધરા (ઉ.વ.૩૭), રમેશભા મ્યારભા ગઢવી (ઉ.વ.૪૦), આનંદ અંબાવીભાઈ સથવારા (ઉ.વ.રપ), મહેશભાઈ માવજીભાઈ સથવારા (ઉ.વ.૩૮), પ્રકાશભાઈ રવજીભાઈ દામા (ઉ.વ.૪ર), જેઠાભાઈ બીજલભાઈ સથવારા (ઉ.વ.પ૩), રાજભા ગાંડાજી વાઘેલા (ઉ.વ.૩ર) (રહે. તમામ, અંજાર-ગાંધીધામ)ને ઝડપી પાડયા હતા. તેમના પાસેથી રોકડા રૂપિયા ૧,ર૪,૦૦૦ કબજે કરવામાં આવ્યા હતા અને અંજાર પોલીસ મથકે તમામ આરોપીઓ સામે ફોજદારી નોંધાવી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ જુગાર કલબ પકડી પાડતા જવાબદાર અધિકારી – કર્મચારીઓમાં હડકંપ મચી જવા પામી હતી. તો બીજીતરફ લોક મુખે એવી પણ ચર્ચાઓ વહેતી થવા પામી છે કે, શ્રાવણ માસને આડે હજુ એક માસ બાકી છે પણ ખેલીઓ માટે તો જેઠ – અષાઢમાં શ્રાવણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેકઠેકાણે જુગારની કલબો ધમધમી ઉઠી હોવાની ચર્ચાઓએ પણ જુગારીઓમાં જોર પકડયું છે.