વરસામેડીમાં કારમાં તોડફોડ કરી રૂ.૧.૬૯ લાખની લૂંટના કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

  • અંજાર પોલીસે ત્રણ આરોપીને કર્યા રાઉન્ડઅપ

લૂંટમાં ગયેલી ગાડી શાંતિધામ પાસેથી મળી આવી : કુલ ૮ આરોપીઓ સામે ફરિયાદ

અંજાર : તાલુકાના વરસામેડીમાં કારમાં તોડફોડ કરી રૂા.૧.૬૯ લાખની રોકડ ચોરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અલબત્ત પોલીસ ફરિયાદ થતા અંજાર પોલીસે ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરી રોકડ રિક્વર કરવા તજવીજ હાથ ધરી છે.વરસામેડી સીમમાં બાગેશ્રી ટાઉનશિપ રહેતા શ્રીધર ચંદ્રસિંહ સિસોદિયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ફરિયાદી પોતાના કબજાની વેન્ટોકાર નં.જીજે૧ર-ડીએ-૦પ૧૦ લઈને નીકળ્યા હતા. કારમાં રોકડા રૂા.૧,૬૯૦૦૦ રાખેલા હતા. એ દરમિયાન સોસાયટીમાં અમુક ઈસમો આંટા મારતા હોવાથી યુવકે તેઓને સોસાયટીમાં કેમ આવ્યા તેવું પુછયું હતું. જેમાંથી આરોપી રાહુલે ફરીયાદીને આ સોસાયટીમાં અરબાસ નામનો વ્યક્તિ રહે છે કે કેમ ? તેની પુછા કરતા ફરિયાદીએ અરબાસ સોસાયટીમાં ન રહેતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આ મુદ્દે ઝઘડો થતા આરોપીઓએ ગાડીમાં ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાંચ તોડી ગાડીમાં નુકશાન કરી, ફરિયાદીને પગમાં ધોકા માર્યા હતા અને ગાડીની ચાવી ઝુંટવી ગાડી તેમજ તેમાં રહેતા રોકડા રૂા.૧,૬૯,૦૦૦ લઈ નાસી ગયા હતા. બનાવ બાદ આરોપીઓએ શાંતિધામમાં ગાડી મુકી દીધી હતી. ફરિયાદીએ આ લૂંટના બનાવ અંગે આરોપીઓ રાહુલ, સચિન, મયૂર, હિરેન, પિયુષ, અરબાસ, વિશાલ અને કમલ નામના શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો હતો.અંજાર પીઆઈ એમ.એન.રાણા સાથે વાત કરતા તેઓએ કહ્યું કે, આરોપીઓ લૂંટના ઈરાદે ન હતા આવ્યા, પરંતુ ઝઘડો થતા આ લૂંટ કરાઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.ફરિયાદના આધારે ગળપાદરમાં રહેતા રાહુલ વિનોદભાઈ ચૌહાણ, કમલભાઈ મોહનભાઈ રાઠોડ અને હિરેનભાઈ પરસોત્તમભાઈ રાજગોર નામના યુવાનોને રાઉન્ડ અપ કરી લેવાયા છે. તેમજ લૂંટમાં ગયેલ ગાડી રિક્વર થઈ ગઈ હોવાથી રોકડ કબજે કરવા તપાસ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું.