વરસાદ ખેંચાતા લખપત તાલુકામાં ઘાસચારાની અછત

કચ્છમાં વધુ ર૦ લાખ કિલો ઘાસ ફાળવવાની દરખાસ્ત કરવા નિર્ણય
ભુજ : કચ્છ જિલ્લામાં મુંગા પશુઓ માટે ફાળવાયેલો સૂકા ઘાસનો જથ્થો પુર્ણતાના આરે છે. ત્યારે કચ્છમાં વરસાદ ખેંચાતા ઘાસની જરૂરિયાતમાં વધારો થશે. ત્યારે કલેક્ટર કક્ષાએથી વધુ ૨૦ લાખ કિલો ઘાસની ફાળવણી કરવા સરકાર સમક્ષ દરખાસ્ત કરવાનો નિર્ણય કરાયો છે. ઉનાળાના કપરા કાળમાં રાજ્ય સરકારના મહેસુલ વિભાગે ખાસ કિસ્સામાં ગૌશાળા અને પાંજરાપોળોને ૨ રૂપિયા કિલોના રાહતદરે ઘાસ વિતરણ કરવા ઠરાવ કર્યો હતો. જેમાં કચ્છ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૨૦ લાખ કિલોગ્રામ ઘાસની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી ૧૩ લાખ ૧૦ હજાર કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાની ૭૫ જેટલી રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળમાં નભતાં ૭૬ હજાર ૮૨૦ પશુ માટે વનવિભાગના ગોડાઉન પરથી બાકીના ૬ લાખ ૯૦ હજાર કિલો ઘાસની ઉપાડ પણ ચાલું છે.

 

 

ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત સર્જાઈ છે અને પશુધનની હાલત કફોડી બની છે. છેવાડાના લખપત તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં હાલે પશુઓ માટે પીવાના પાણી તેમજ ઘાસચારાની તંગી છે. લખપત તાલુકાના સરહદી અને દુર્ગમ વિસ્તારો કપુરાશી, કૈયારી, કોરિયાણી, પીપર, બરંદા, બૈયાવો, પુનરાજપર, મુધાન, ઝારા, ઝુમારા, ના. સરોવર સહિતના ગામડાઓના પશુઓ માટે પાણી અને ઘાસચારાની અછત સર્જાઈ છે.
આ અંગે મુખ્યમંત્રી તેમજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરીને પશુઓ માટે રાહતદરે ઘાસચારાની ફાળવણી કરવામાં કરવામાં આવે તેવી માંગ કપુરાશી ગામના સરપંચ પ્રમેદાન જી. ગઢવી અને જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રદાન જી. ગઢવીએ કરી છે.