વરસાદ આવી ગયો છતાં ખેડૂતોને બિયારણ મેળવવા ધરમના ધક્કા

લોડાઈના ખેડૂતોને થતી હાડમારી : ૩પથી ૪૦ પેકેટ બિયારણની જરૂરિયાત સામે માત્ર ૧ જ પેકેટ બિયારણ અપાતા ખેડૂતોમાં રોષ

ભુજ : હાલ કચ્છમાં સારો વરસાદ થતા ચોમાસા પાક માટેની ખેડૂતો જોતરાઈ ગયા છે તેવામાં લોડાઈ ગામના ખેડૂતોને ચોમાસા પાક માટેના બિયારણ માટે વરસાદ આવી ગયો હોવા છતાં ભુજમાં ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. ખેડૂતને ૩૦થી ૪૦ પેકેટની જરૂરિયા સામે માત્ર ૧ જ પેકેટ બિયારણ આપવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને વાવણી કરવી કે પછી દરરોજ બિયારણ લેવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે તેવું આક્રોશ સાથે ખેડૂતો જણાવી રહ્યા છે. ભુજ તાલુકાના લોડાઈ ગામના ખેડૂત માવજીભાઈ આહીરે જણાવ્યું કે, ૬૦ એકર જમીનમાં ચોમાસું પાક લેવામાં ૪૦ પેકેટ બિયારણ જરૂર દરેક ખેડૂતને હોય છે. તેની સામે માત્ર બિયારણના ર કિ.ગ્રા.નું એક પેકેટ જ ખેડૂતને અપાઈ રહ્યું છે. ખેડૂત હરિભાઈએ કહ્યું કે, બિયારણ મેળવવા માટે છેલ્લા આઠ દિવસથી ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે આવીએ તો કે કાલે આવજો તમને બિયારણ મળી જશે. તેવા ઠાલા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે. આજે માત્ર ર કિલો બિયારણનું એક પેકેટ આપવામાંં આવ્યું છે. એક ખેડૂતને ૩પથી ૪૦ બિયારણના પેકેટની જરૂરિયાત છે તેની સામે માત્ર એક જ પેકેટ આપી સંતોષ માની લેવાયો છે. હાલ ખેડૂતોની હાલત કફોડી છે તેમાં પણ એક પેકેટમાંથી કઈ રીતે ખેડૂત ચોમાસુ પાકનું વાવેતર કરી શકશે. તે સવાલ ઉભો થયો છે. ખેડૂતોને ૧ પેકેટ આપી તેમા પણ મોટા બિલો બનાવી બારોબાર બિયારણ વેચી દેવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. ખેડૂતોને પુરતુ બિયારણ આપવામાં આવે તેવી તમામ ખેડૂતોએ માંગ કરી હતી.