વરસાદથી નખત્રાણા બન્યું પાણી પાણી : રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ

ભુજમાં પણ મેઘરાજાના ભૂસાકા : અબડાસા, લખપત સહિત સમગ્ર જિલ્લામાં મેઘાવી માહોલથી ઠેર ઠેર વરસાદ

ભુજ :સતત ત્રીજા દિવસે આજે કચ્છમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના બારડોલી સમાન નખત્રાણામાં આજે તંત્રના ચોપડે તો સાંજ સુધીમાં માત્ર એક ઈંચ વરસાદ વરસ્યો છે. પરંતુ નખત્રાણામાં વરસાદના પાણી એટલી હદે ભરાઈ ગયા હતા કે, ભુજ નખત્રાણાનો રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ પડ્યો હતો. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. નગરના મુખ્ય વિસ્તારો વથાણ ચોક, બસ સ્ટેશન સહિતના એરિયાઓ પાણી પાણી થઈ ગયા હતા. નજીવા વરસાદથી જાે નખત્રાણા નગર પાણી પાણી થઈ જતું હોય તો ભારે વરસાદમાં કેવી હાલત થશે તેની કલ્પના પણ ન કરી શકાય. બીજી તરફ આજે સમગ્ર જિલ્લામાં મેઘાવી માહોલ હોવાથી ઠેર ઠેર છાંટાથી માંડી ઝાપટા વરસ્યા હતા. નખત્રાણાની જાે વાત કરીએ સામાન્ય વરસાદમાં નખત્રાણા-ભુજ-લખપત હાઈવે પર કિલોમીટર સુધી ટ્રાફિક જામ જાેવા મળ્યો હતો. તો શહેરના મુખ્ય વિસ્તારમાં ધસમસતા વેગે પાણી વહ્યા હતા. અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બેથી ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે. મહત્વની બાબત એ છે કે, ગંગા બજાર તળાવમાં ફેરવાયું હોય તેમ પુર જેવું પાણી આવી ગયું હતું. અહીંના વેપારીઓ આશ્ચર્યમાં હતા કે, બજારમાં આવરોધરૂપ સરદાર પટેલનું પુતળુ હટાવી દેવાયું છતા કેમ પાણી ભરાઈ ગયા.. ટેમ્પા સ્ટેન્ડ પાસેનો વોકળો બે કાંઠે આવી જતા રસ્તો બંધ થયો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે, વહેણ પર ગેરકાયદે બાંધકામો થઈ ગયા છે. તો વહેણને ડાયવર્ડ કરી દેવાયો હોવાથી પાણીનો ધોધ વધ્યો છે. નખત્રાણામાં કોજવેની માંગ ઝડપથી સંતોષવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત નખત્રાણા, બેરૂ રોડ પર પાણી બે કાંઠે વહી નિકળ્યા હતા. તો વરસાદના કારણે નખત્રાણામાં આવેલા કાળીયાધ્રોમાં પણ પાણીનો ધોધ જાેવા મળ્યો હતો. લોકો દૂર દૂરથી પાણી નિહાળવા આવ્યા હતા. આ તરફ લખપતના માતાના મઢ સહિતના ગામોમાં વરસાદ પડતા શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. અબડાસા તાલુકામાં પણ રાતાતળાવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ તરફ ખાવડા વિસ્તારમાં પણ મેઘરાજાએ લટાર મારી હતી. આજે સાવર્ત્રિક વરસાદ કચ્છમાં વરસી રહ્યો છે. સાંજ સુધીના વરસાદની જાે વાત કરીએ તો નખત્રાણા, મુંદરામાં એક-એક ઈંચ. તો અબડાસા, ભુજ અને લખપતમાં પોણો ઈંચ. અને માંડવીમાં અડધો ઈંચ વરસાદ તંત્રના ચોપડે બતાવાયો હતો. પરંતુ સમગ્ર જિલ્લામાં આજે મેઘમહેર થઈ હતી. તો ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ વચ્ચે ગાજવીજ થતા લાઈટો ગુલ થઈ ગઈ હતી. જિલ્લા મથક ભુજમાં સવારથી મેઘરાજાની સંતાકુકડી જાેવા મળી હતી. કારણ કે થોડીવાર વરસાદ પડે બાદમાં વાદળો છવાય ગયા હતા. દિવસભર ઉકળાટભર્યા માહોલ વચ્ચે વરસાદ વરસવાનું ચાલુ રહ્યુ હતું. જેથી માર્ગો ભીંજાયેલા રહ્યા હતા. સરકારી ચોપડે ભલે ઓછો વરસાદ હોય, પરંતુ લોકોના કહેવા પ્રમાણે આજે દિવસ દરમિયાન સાંજ સુધીમાં ભુજમાં દોઢેક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તો હમીરસરમાં પાણીની આવ જાેવા મળી હતી. તો મોટાબંધ પાસે પણ લોકો ઉમટ્યા હતા. થોડી થોડી વારે જાેરદાર ઝાપટા પણ આવી ગયા હતા. આ તરફ મુંદરામાં પણ નવીનાળ, દેશલપર, બેરાજા, બગડા, ભદ્રેશ્વર, હટડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અબડાસામાં પણ સણોસરા, મોથાળા, તેરા, જંગડીયા, વાયોર, હાજાપર, બેર, જખૌ, સાંધડ, લઠેડી, કનકપર, નારાણપર, રામપર સહિતના ગામોમાં મેઘો ખાબક્યો હતો. તો લખપતના પાનધ્રો સહિતના ગામોમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. પૂર્વ કચ્છની વાત કરીએ તો અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉમાં છાંટાથી ઝાપટા સુધીનો વરસાદ પડ્યો હતો. આજે જિલ્લામાં સર્વત્ર મેઘરમહેર જાેવા મળી હતી.