વરસાણા નજીકની સુમિલોન કંપનીની બેદરકારીએ શ્રમજીવીનો લીધો ભોગ

કંપની દ્વારા અનેક ઔદ્યોગિક નિયમોનો છડેચોક કરાતો ભંગ

અંજાર : તાલુકાના વરસાણા નજીક આવેલી સુમિલોન કંપનીમાં સર્જાયેલા લોડર અકસ્માતમાં એક શ્રમજીવી યુવાનનો ભોગ લેવાયો હતો ત્યારે કંપનીની બેદરકારી સામે કડક પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી રહી છે. કંપની દ્વારા ઔદ્યોગિક નિયમોનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. આ અંગેની વિગતો મુજબ અંજારના વરસાણા નજીક આવેલી સુમિલોન કંપનીમાં બે દિવસ પૂર્વે લોડર અકસ્માત સર્જાયો હતો. જેમાં કંપનીની બેદરકારીને કારણે ગણેશ હીરાલાલ પટેલ (ઉ.વ. ૩૬)નું મોત નીપજ્યું હતું. ત્યારે આવી જીવલેણ ઘટનાઓમાં પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી રહી છે. સૂત્રોનું માનીએ તો કંપની દ્વારા ઔદ્યોગિક નિયમોને નેવે મૂકીને કામદારોની સુરક્ષા બાબતે દુરલક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે કંપની દ્વારા પોતાના પ્લાન્ટના વિસ્તરણ માટે સ્થાનિકોને રોજગારી આપવા ઉપરાંત સીએસઆરના કામો કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. કંપનીમાં પરપ્રાંતિય મજૂરોને બોલાવાય છે. સ્થાનિકોને રોજગારી અપાતી નથી તો સીએસઆર હેઠળના વિકાસકામો પણ આસપાસના ભીમાસર, નાની ચીરઈ, વરસાણા સહિતના ગામોમાં કરવાની ખાતરી ઉચ્ચારાઈ હતી, પરંતુ કોઈ ખાસ કામો કરવામાં આવ્યા નથી. કંપનીનું દુષિત પાણી પર જાહેરમા નિકાસ કરાય છે તો કોરોનાની ગાઈડ લાઈનનું પણ ધરાર ઉલ્લંઘન કરાય છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છેે.