વરલી ખાતે રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧ના કામનો પ્રારંભ

ખતેરાઇ (ખારોધ્રો) તળાવનું ૫૫૦૦ ઘન મીટર ઊંડું ઉતારતા ૫૫ લાખ લીટર સંગ્રહ ક્ષમતામાં થશે વધારો

આજરોજ ભુજ તાલુકાના વરલી ગામે ખેતરાઈ (ખારોધ્રો) તળાવને સુજલામ સુફલામ યોજના ૨૦૨૧ અંતર્ગત ઉંડુ ઉતારવાના કાર્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છમાં  જળસ્તર ઉંચા લાવવા તેમજ જળ સ્ત્રોતની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સુજલામ સુફલામ યોજના ૨૦૨૧ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે અન્વયે ભુજ તાલુકામાં ૧૦૦ સિંચાઈ વિભાગના કામો પ્રગતિ હેઠળ છે તે ઉપરાંત બાકી રહેતા કામો થકી વરલી ગામે ખેતરાઇ (ખારોધ્રો) તળાવને ઉંડુ ઉતારવાનો પ્રારંભ કરાયો હતો જે થકી તળાવનું ૫૫૦૦ ધનમીટર માટીકામનું ખોદકામ થશે જે માટીનું તળાવની પાળ મજબૂત કરવા તેમજ ખેડૂતોને ખેતી માટે ઉપયોગમાં લઇ શકાશે. તળાવ ઉંડુ થતાં તેની સંગ્રહ શક્તિમાં પણ ૫૫,૦૦,૦૦૦ લીટરનો વધારો થશે. આ કામગીરી પારલે કંપની દ્વારા સીએસઆરના ભાગરૂપે સંપૂર્ણ સ્વખર્ચે કરવામાં આવી રહી છે. આ તકે રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સીએસઆર થકી કચ્છમાં અનેક કંપનીઓ સમાજ માટે ખૂબ સારી કામગીરી કરી રહી છે આ અન્વયે જ પારલે કંપનીએ આ કામગીરી હાથમાં લીધી છે જે ખરેખર સારી કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત પારલે કંપનીના દિપેશભાઇને અભિનંદન પણ પાઠવ્યા છે. ઉપરાંત આ કામ ત્વરિત પૂરું કરવા પણ સબંધિતોને સૂચન કર્યુ હતું. આ પ્રસંગે ગામના સરપંચશ્રી બાબુભાઈ મકવાણા, ઉપસરપંચશ્રી ખીમાભાઇ બરડીયા, જિલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાન જિલ્લાના નોડલ અધિકારી પી.પી.વાળા, તાલુકાના નોડલ અધિકારીશ્રી એમ.ડી મેઘાણી, એન્જિનિયરશ્રી પી.આર પિત્રોડા, અગ્રણીશ્રી કિરીટસિંહ જાડેજા, પુંજાભાઈ આહિર તેમજ અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.