વન અધિકાર કાનૂનની અમલવારી પહેલાં જ બન્નીમાં વિકાસકામો શરૂ કરાયા

ગ્રામ્ય કક્ષાની સમિતિઓ બનાવી વિકાસ કામો શરૂ થતા લોકહિતના બદલે આર્થિક હિતને પ્રાધાન્ય અપાતું હોવાનો તાલ

ભુજ : હાલમાં બન્નીમાં વન અધિકાર કાનૂન અને સ્થાનિક લોકોના મૂળભૂત અધિકારો વિશે ચર્ચાઓ છેડાઈ છે ત્યાં ત્યારે સમગ્ર કચ્છના જાગૃત અને જાહેર જીવનમાં રસ ધરાવતા લોકો વન અધિકાર કાનૂન વિશે જાણવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
બન્નીના માલધારી સંગઠનના આગેવાનો વન અધિકાર કાનૂન મુજબ બન્નીના ગામોને માન્યતા આપવા માંગણી કરી રહ્યાં છે અને આ અધિનિયમ મુજબ તંત્ર રજૂઆતો ધ્યાને લેતું ન હોવાના આક્ષેપો પણ થતાં રહ્યાં છે. એક તરફ સ્થાનિક લોકોના મૂળભૂત અધિકારો વિશે કોઈ કાર્યવાહી આગળ વધી નથી રહી, તેવામાં વન અધિકાર કાનૂન અંતર્ગત ગ્રામ્ય કક્ષાની સમિતિઓ બનાવીને વિકાસ કામો શરૂ કરાવી દેતાં ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલામાં સામાન્ય લોકોના હિતના બદલે આર્થિક હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.વન અધિકાર કાનૂનની પ્રાથમિક માહિતી જોઇએ તો આ અધિનિયમ હેઠળ પ્રથમ જિલ્લા કક્ષાની સમિતિ બનાવવાની રહે છે, જેના અધ્યક્ષ કલેકટર હોય છે. સમિતિમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને પણ સભ્ય તરીકે સામેલ કરવાની જોગવાઈ છે. કચ્છમાં જિલ્લા સ્તરની વન વ્યવસ્થાપન સમિતિ બની ગઈ છે..? એ પ્રશ્ન પણ ઉદભવે છે કારણ કે જિલ્લાના મહત્વના વિસ્તારને સ્પર્શતા પ્રશ્નના નિવેડા માટે જિલ્લા વન વ્યવસ્થાપન સમિતિની સત્તાવાર જાહેરાત વિશે સ્થાનિક લોકો જાણતા નથી. એવો પ્રચાર થાય છે કે બન્નીની જમીન અંગે તંત્ર ટાઈટલ આપ વા કે વન ગામોને મહેસૂલી દરજ્જો આપવામાં ઠાગાઠૈયા કરે છે. રાજય સરકાર કે જિલ્લાના વહીવટી તંત્રએ વન અધિકાર કાનૂનની અમલવારી માટે કોઈ ટાઈટલ નથી આપ્યું તો સ્વૈચ્છિક સંસ્થાઓના ફંડથી વન અધિકાર કાનૂન મુજબ તળાવ, ઘાસ પ્લોટ વગેરે કેમ બની ગયાં..?મોટી દધ્ધર ગામે એક સ્થળે લાગેલા બોર્ડમાં વન અધિકાર કાનૂન મુજબ વિકાસ કાર્ય થયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ જોઈ શકાય છે. જો વન અધિકાર કાનૂન પર અમલવારી ન થઈ હોય તો આ પ્રકારના કામો કોની વગથી થઈ રહ્યાં છે. ખાનગી ફંડથી વિકાસ કામો થતાં હોય અને ખૂદ કેન્દ્ર સરકારના અધિકારી વન અધિકાર કાનૂનની અમલવારી માટે છેક ૨૦૧૭માં બન્ની દોડી આવ્યા હોય તો પણ હજુસુધી આ મુદ્દો લટકતો શા માટે છે ? એ પ્રશ્ન બન્નીના આમ નાગરિકોને મૂંઝવી રહ્યો છે.જૂથવાદને પ્રોત્સાહન આપવાના બદલે સમગ્ર મામલામાં લોકોને સાચી માહિતી આપવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.

વનતંત્ર વિરૂદ્ધ હાઈકોર્ટમાં પીટીશન દાખલ

ભુજ : વનતંત્ર દ્વારા થતી કામગીરીને કાયદા વિરુદ્ધની લેખાવી માલધારી સંગઠનના આગેવાનો દ્વારા આ કામગીરી પર રોક લગાવવા હાઈકોર્ટમાં સમગ્ર મામલો દાખલ થઈ ચૂક્યો છે.બન્નીના અગ્રણી જુમા ઈશા નોડે એ જણાવ્યું કે સ્થાનિક ગ્રામ પંચાયતની જાણ બહાર બળજબરીથી વનતંત્ર કામગીરી કરે છે, વન અધિકાર અધિનિયમની વિવિધ કલમોનો ભંગ છે.તાજેતરમાં એનજીટીએ આદેશમાં સ્પષ્ટ નોંધ્યું છે કે બન્નીના માલધારીઓના અધિકાર વન અધિકાર કાનૂન-૨૦૦૬ હેઠળ સુરક્ષિત છે,જે મુજબ કોઈપણ પ્રવૃત્તિ માટે ગામની સ્થાનિક સમિતિનો ઠરાવ જરૂરી છે.આમ છતાં વનતંત્ર બન્નીના ગામોમાં લોકશાહી વિરૂદ્ધ વલણ અપનાવી સરપંચોને પોલીસની બીક બતાવી આડેધડ કામગીરીથી ખૂલ્લા ચરીયાણને નુકશાન કરી રહ્યું હોવાથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.