વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ-ટ્રક વચ્ચે અકસ્માતઃ ત્રણના મોત

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર દોડકા ગામ પાસે શ્રમજીવીઓ સવાર જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત ૩ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૬ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા, મેડા અને મોરી પરીવારના ૧૯ વ્યક્તિઓ તુફાન જીપમાં મોરબી મજુરીકામ જવા માટે નીકળ્યા હતા. મજુરી કામે નીકળેલા શ્રમજીવીઓની સાથે પાંચથી છ બાળકો પણ હતા. દરમિયાન ગુરૂવારે મધરાતે એક્સપ્રેસ હાઈવે ઉપર દોડકા ગામ પાસે આગળ જતી ટ્રકમાં શ્રમજીવીઓ સવાર તુફાન જીપ ધડાકા સાથે ભટકાઇ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને કુલ ૧૬ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બનાવને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઇ ગયો હતો, જોકે, પોલીસ પહોંચ્યા બાદ ટ્રાફિક ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ભાદરવા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ભાદરવા પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.