વડોદરામાં ૭ બાયોડિઝલ પંપના સંચાલકો, સપ્લાયરો સહિત ૨૮ વિરુદ્ધ ગુનો દાખલ

(જી.એન.એસ.)વડોદરા,ડીઝલના ભાવો પેટ્રોલની સમકક્ષ થતા બાયોડીઝલની માગમાં વધારો થયો છે. કેટલાક લોકો દ્વારા કોઇપણ જાતની પરવાનગી વિના આડેધડ બાયોડીઝલ પંપો શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાની કરજણ પોલીસે નેશનલ હાઇવે ઉપર બિલાડીની ટોપની જેમ શરૂ થયેલા ૭ જેટલા ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ઉપર ફેબ્રુઆરી માસમાં દરોડા પાડીને રૂપિયા ૨૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પંપો ગેરકાયદેસર હોવાનું અને કોઇપણ જાતના સેફ્ટી વિના પંપો ચલાવાતા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે પંપોના સંચાલકો સહિત ૨૮ જેટલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નેશનલ હાઇવે નં-૪૮ ઉપર ગેરકાયદેસર શરૂ થયેલા બાયોડીઝલ પંપો સામે ગત ફેબ્રુઆરી માસમાં ૭ જેટલા બાયોડીઝલ પંપો ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને બાયોડીઝલના સેમ્પલો મેળવીને પૃથ્થકરણ માટે આપ્યા હતા. પૃથકરણમાં અને પોલીસ તપાસમાં આ બાયોડિઝલ પંપો ગેરકાયદેસર હોવાનું તેમજ પંપો ઉપર કોઇ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આ બાયોડિઝલ લોકો માટે જોખમરૂપ પુરવાર થાય તેમ હોવાથી કરજણ પોલીસે તમામ બાયોડીઝલ પંપના સંચાલકો, પંપો ઉપર કામ કરતા કર્મચારીઓ અને બાયોડીઝલના સપ્લાયરો મળીને ૨૮ જેટલા વ્યક્તિઓ સામે આવશ્યક ચિજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.કરજણ પોલીસે આવેલા માંગલેજ ગામે સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં એકતા નામના બાયોડીઝલ પંપ ઉપર દરોડો પાડીને રૂપિયા ૪,૨૦,૦૦૦ની કિંમતનું ૭૦૦૦ લિટર બાયોડીઝલનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સુરતના રહેવાસી વિજય પ્રવિણભાઇ ગોંડલીયા(રહે, ૧૦૨, શ્વેતા સોસાયટી, વરાછા રોડ, સુરત), પંપના સંચાલક, બાયોડિઝલના સપ્લાયર, સનસાઇન હોટલના માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.