વડોદરામાં સિનિયર સિટીઝન દંપતિના ઘરે ત્રાટક્યો તસ્કરોઃ ૮ ચાંદીના સિક્કા લઇ રફ્ફૂ

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા શહેરના નોવિનો-તરસાલી રોડ પર આવેલા તુળજાનગર-૨માં રહેતા સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી. જોકે, વૃદ્ધાએ ગભરાયા વગર ચોર…ચોર..ની બુમરાણ મચાવતા ટોળકી ચાંદીના સિક્કા અને ઘડિયાળની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. લાકડીઓ સાથે ત્રાટકેલા ચોર ફ્રિઝમાં મૂકેલા કાજુ બદામ ખાઇ ગયા હતા. દંપતીએ જણાવ્યું હતું કે, ભલે ઘરમાંથી ચોર મુદ્દામાલ લૂંટી ગયા હતા. જોકે, અમને ટોળકીએ કોઇ નુકસાન પહોચાડ્યું નથી, તે માટે ભગવાન સ્વામિનારાયણનો આભાર માનીએ છે.આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે નોવિનો-તરસાલી રોડ પર આવેલા બી-૯૫ તુળજાનગર-૨માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન ઘનશ્યામ પરશોત્તમભાઇ પટેલ(ઉ.૬૮) અને પત્ની ચંદ્રિકાબેન(ઉ.૬૫) રહે છે. વહેલી સવારે રાબેતા મુજબ ઘનશ્યામ પોતાના મકાનની જાળી બહારથી બંધ કરી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી હતી. લૂંટારું ટોળકી ઘરમાં પ્રવેશી, ત્યારે વૃદ્ધા ચંદ્રિકાબેન મકાન સ્થિત બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. ઘરમાં અવાજ આવતા ચંદ્રિકાબેન બાથરૂમમાંથી બહાર નીકળતા હથિયારધારી બે ચોરને જોઇને જોરથી ચોર..ચોર..કરીને બુમરાણ મચાવી મૂકી હતી. મહિલાએ બૂમરાણ મચાવતાં ચોર ટોળકી તિજોરીમાં મૂકેલા ચાંદીના આઠ સિક્કા અને કાંડા ઘડિયાળની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી.આ બનાવ અંગે ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મારા પતિ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. પતિ બહારથી મકાન બંધ કરીને મોર્નિંગમાં ગયા બાદ હું મારા ઘરની બાથરૂમમાં સ્નાન કરવા ગઈ હતી. દરમિયાન અમારા મકાનની જાળીનો નકુચો તોડીને બે ચોર ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં કબાટ, તિજોરીનો માલ સામાન વેરવિખેર કરી મુદ્દામાલ શોધી રહ્યા હતા. દરમિયાન બાથરૂમમાંથી બહાર નીકળતા મે તેઓને જોતા હું ગભરાઈ ગઈ હતી, પરંતુ, હિંમત એકઠી કરી ચોર..ચોર… કરીને બૂમો પાડતા બંને ચોર ઘરમાંથી જે કંઈ મળ્યું તે લઇને ફરાર થઇ ગયા હતા.