વડોદરામાં સયાજી હોસ્પિટલનું પડતર માંગણીઓ મુદ્દે નર્સિંગ સ્ટાફનું આંદોલન

વડોદરા,તા.૧૭ છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં નર્સિંગ સ્ટાફ તેમની પડતર માગણીઓને લઇને આંદોલન કરી રહ્યા છે, જેમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનું નર્સિંગ એસોસિએશન પણ જોડાયું છે, ત્યારે તંત્રને આવેદનપત્ર આપ્યા બાદ બ્લેક ડે મનાવી સરકારને માગણી સ્વીકારવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, હજુ સુધી માગણી સ્વીકારવામાં ન આવતા આજે સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિયેશને થાળી વાટકી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો નર્સિંગ એસોસિયેશને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રમાણે પગાર ધોરણ, ખાલી જગ્યા ભરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને પગાર ભથ્થામાં વધારો સાથેની અન્ય માગણીઓ સ્વીકારવા સરકાર સમક્ષ માંગ કરી છે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી પ્રતિક હડતાળ કરવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ એસોસિયેશને ઉચ્ચારી છે. આ પહેલા સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પ્રતિક ધરણા કર્યાં હતા અને હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો. અત્યારે જ્યારે દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે રાત દિવસ જોયા વિના લોકોની સેવા કરી છે. લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે. તેમણે કોરોના ફ્રન્ટ વોરિયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પડતર માગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ લડત ચલાવી રહ્યો છે, પરંતુ, સરકાર તેમની માગણીઓ પૂર્ણ ન કરતા નારાજ નર્સિંગ સ્ટાફે હવે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે.