વડોદરામાં વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટારુ લૂંટ કરી ફરાર

(જી.એન.એસ.)વડોદરા,વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં લૂંટારાએ મરચાની ભૂકી નાખીને માત્ર ૨ સેકન્ડમાં જ ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતની ૩૦ ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટીને બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે ફિલ્મી ઢબે બનેલા લૂંટના આ બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. જોકે, જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂ શો-રૂમ સ્થિત CCTVમાં કેદ થઇ ગયા હતા. બાપોદ પોલીસે ફરિયાદના આધારે બે લૂંટારૂ સામે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.આજે બપોરના સમયે વડોદરા શહેરના ખોડિયારનગર શ્રીજી પ્લાઝામાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં લૂંટારૂ ત્રાટક્યા હતા અને જ્વેલર્સના માલિકની આંખમાં ફિલ્મી ઢબે મરચાની ભૂકી નાખીને ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતની સોનાની ત્રણ ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. ધોળે દિવસે યોજનાબદ્ધ રીતે ત્રાટકેલા બે લૂંટારૂ પૈકી દુકાનમાં ધસી આવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂને ઝડપી પાડવા માટે જ્વેલર્સના માલિકો પૈકી નાનાભાઇએ પીછો પણ કર્યો હતો. પરંતુ, લૂંટારુ હાથ લાગ્યા ન હતા. જ્વેલર્સ માલિકે દુકાનની બહાર જઇને બુમરાણ પણ મચાવી હતી. પરંતુ, લૂંટારૂઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.દરમિયાન આ બનાવ અંગેની જાણ બાપોદ પોલીસ મથકના પીઆઇ જિગ્નેશ પટેલને થતાં તુરંત જ તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ડીસીપી ઝોન-૨ લખધીરસિંહ ઝાલાને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા જ્વેલર્સના માલિક રોનકભાઇ સોની પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. તે સાથે જ્વેલર્સના શો-રૂમ સ્થિત CCTV ફૂટેજ જોઇને લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટે બાપોદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચને સૂચના આપી હતી. બાપોદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે ખોડિયારનગરમાં હાહાકાર મચાવી મૂકનાર લૂંટના આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.