વડોદરામાં મહિલાઓ અસુરક્ષિતઃ બે મહિલાના ગળામાંથી ધોળે દિવસે ચેઇન સ્નેચરો ચેઇન લૂંટી ફરાર

(જી.એન.એસ.)વડોદરા,સરકારની મહિલા સુરક્ષાની વાતો વચ્ચે વડોદરા શહેરમાં મહિલાઓને એકલા નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. વડોદરા શહેરમાં દિવસે દિવસે ક્રાઇમ રેટનો ગ્રાફ ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. આજે વહેલી સવારે માત્ર ૩૦ મિનિટમાં ચેઇન સ્નેચિંગ ટોળકીએ મોર્નિંગ વોકમાં નીકળેલી બે મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ખોડિયારનગર અને સમા ચાણક્યપુરી પાસે સવારે ૬ઃ૪૫ વાગ્યાથી લઇને ૭ઃ૧૫ વાગ્યાના સમયગાળામાં બનેલા બે બનાવોએ ચકચાર જગાવી મૂકી હતી.વડોદરા શહેરના ૧૩૪, વૈકુંઠ-૨, ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા અરૂણાબહેન દયાપ્રસાદ ત્રિવેદી(ઉં.૫૫) સવારે ૬ઃ૪૫ વાગ્યે પતિ સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. દંપતી ચાલતા ખોડિયારનગર ચાર રસ્તા, બ્રહ્માનગર પાસેથી પસાર થતા હતા. તે સમયે બ્લેક કલરની બાઇક પર ધસી આવેલા અજાણ્યા બે શખસો અરૂણાબહેનના ગળામાંથી રૂપિયા ૩૫ હજારની કિંમતની દોઢ તોલાનો સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા અરૂણાબહેન ત્રિવેદી પાસેથી વિગત મેળવી તપાસ શરૂ કરી હતી.ખોડિયારનગર પાસેના બનાવના અડધા કલાક બાદ એટલે કે, સવારે ૭ઃ૧૫ કલાકે સમા ચાણક્યપુરી જીગર વિદ્યાલય પાસેથી ચાલતા જઇ રહેલા ૫૦ વર્ષીય ગંગોત્રીબહેન મહેન્દ્રપ્રસાદ રાયને(રહે, બી-૧૯, તક્ષશિલા સોસાયટી, વિભાગ-૨, ન્યુ સમા રોડ, વડોદરા) નિશાન બનાવ્યા હતા. બાઇક પર ધસી આવેલા લૂંટારાઓએ ગંગોત્રીબહેન કંઇ સમજે તે પહેલાં તેઓના ગળામાંથી સવાથી દોઢ તાલા વજનની રૂપિયા ૩૦ હજારની કિંમતની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ સમા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ટોળકીનો ભોગ બનેલા ગંગોત્રીબહેન પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય જશોદાબેન સોલંકી રસ્તાના ડિવાઈડર ઉગેલા છોડ ઉપરથી ફૂલ તોડવા માટે ગયા હતા. ફૂલ તોડતી વખતે અજાણ્યો યુવક પાછળથી આવી તેમના ગળામાંથી રૂપિયા ૩૦ હજારની કિંમતનું એક તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડી નજીકમાં પાર્ક કરેલી બાઇક લઈ નાસી છૂટ્યો હતો. વૃદ્ધાની ફરિયાદના આધારે વારસીયા પોલીસે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.