વડોદરામાં મકાનને નિશાન બનાવી તસ્કરો ૬.૮૯ લાખની ચોરી કરી ફરાર

(જી.એન.એસ)વડોદરા,વડોદરા શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મકરપુરા GIDC સ્થિત સ્ટીલ મટીરીયલની દુકાન, ગોડાઉન અને વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક મકાનને નિશાન બનાવી રૂપિયા ૬.૮૯ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ઉકાજીના વાડિયામાં ભાઇનો જન્મ દિવસ ઉજવવા માટે પિયરમાં ગયેલી બહેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.વડોદરાના આર.વી. દેસાઈ રોડ ઉપર આવેલા સાંઈ બાબા એપાર્ટમેન્ટમાં રહેતા મફતલાલ વેલાજી મહેતા મકરપુરા GIDCમાં શેડ નંબર ૮૯૮/૮માં મહેતા સ્ટીલ ઇન્ડિયા નામની માલિકીની દુકાન ધરાવે છે. આ દુકાનમાં તેઓ ફેરસ તેમજ નોન ફેરસ સ્ટીલ મટિરિયલનો ધંધો કરે છે. ગત ૩૧ જુલાઇના રોજ મફતભાઈ મહેતા તથા તેમના બે પુત્રો દુકાન બંધ કરીને તેમજ કેમ્પસનો મેઇન ગેટને તાળું મારીને ઘરે ગયા હતા. ત્યાર બાદ ગત તારીખ ૧ ઓગષ્ટના રોજ તેમનો નાનો પુત્ર અંકિત દુકાને આવ્યો હતો.દુકાને આવેલા અંકિતને દુકાનના મેઇન ગેટના તાળાં બદલાયેલા અને નકુચો તૂટેલો જણાઇ આવતા તેની જાણ પિતાને કરી હતી. જેથી મફતભાઈ મહેતા અને તેમના મોટા પુત્ર તાત્કાલિક દુકાને આવ્યા હતા અને તેઓએ તાળા તૂટ્યાની તપાસ કરતા દુકાનના ગોડાઉનમાં આવેલ શટલના પણ તાળાં તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા અજાણ્યા શખ્સો ગોડાઉનમાંથી સ્ટીલની જુદી-જુદી પ્લેટો, પટ્ટીઓ તથા CCTVના ડીવીઆર સહિત રૂપિયા ૫.૪૯ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.
GIDCમાં ચકચાર જગાવી મૂકનાર ચોરીના આ બનાવ અંગે દુકાન માલિક મફતભાઈ મહેતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.