વડોદરામાં ફેક્ટરીમાં જ બનતા હતા નકલી રેમડેસિવિર, પાંચની ધરપકડ

(જી.એન.એસ)વડોદરા,વડોદરા નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું કાળા બજારીનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક વડોદરામાંથી રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગત રોજ વડોદરામાં ૯૦ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીને લઈને પાંચ આરોપીઓ ઝડપાયા હતા. જેમની પુછપરછમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. આ લોકો ફેક્ટરીમાં જ નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવતા હતા.કોરોના મહામારીની આફતને અવસરમાં બદલવા ભેજાબાજો સક્રિય થયું છે. અને તેમાં વડોદરા રેમડેસિવિરની કાળા બજારીનું હબ બની ગયું છે. ગત રોજ વડોદરા પોલીસ દ્વારા ૯૦ રેમડેસિવિર ઈન્જેક્શન સાથે ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, આણંદ અને વડોદરાના આરોપીઓ હતા. આ આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.આરોપીઓની પુછપરછમાં રેમડેસિવિરના ઈન્જેક્શન બનાવવાની આખે આખી ફેક્ટરી જ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ પોલીસે ફેક્ટરી પર દરોડો પાડીને ૨૧૦૦ ઈન્જેક્શન ઝડપી પાડ્યા હતા. આમ હજારોની માત્રામાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા પણ નકલી રેમડેસિવિર ઈન્જેક્શનની ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અને તેમાં પણ વડોદરા કનેક્શન ખુલવા પામ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે વડોદરાના તાર આખા રાજ્યમાં જોડાયેલા છે કે નહીં. અને નકલી ઈન્જેક્શન વેચી હજારો જિંદગીઓને દાવ પર લગાવી દીધી છે.