વડોદરામાં એક વર્ષમાં ૩૧૯૨ બાળકો સંક્રમિત, ૬૦૬ હાલ સારવાર હેઠળ

(જી.એન.એસ)વડોદરા,વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસનો આંક સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયાં છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં હાલ ૬૦૬ બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ૩૧૯૨ બાળકો કોરોના સંક્રમિત થયાં છે, જે પૈકી મોટા ભાગનાં બાળકો કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયાં છે.વડોદરા શહેરમાં એક મહિનાથી કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૪૧,૫૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી ૧૪,૨૭૩ કેસ છેલ્લા એક મહિનામાં નોંધાયા છે. આમ, કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. કોરોનાની પ્રથમ લહેરમાં ખૂબ ઓછાં બાળકો સંક્રમિત થયાં હતાં. જોકે આ બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યાં છે.વડોદરા શહેરમાં હાલ ૦થી ૨૦ વર્ષની ઉંમરના ૬૦૬ દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ૩૧૯૨ બાળકો કોરોના સંક્રમિત થયાં છે, જોકે તે પૈકી ૨૫૮૫ બાળકો કોરોનાને માત આપી ચૂક્યાં છે.
વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાથી બાળકોનો મૃત્યુદર ખૂબ જ ઓછો રહ્યો છે. વડોદરામાં છેલ્લા એક વર્ષમાં સંક્રમિત થયેલાં ૩૧૯૨ બાળકો પૈકી માત્ર એક જ બાળકીનું મોત થયું છે.વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે માતા-પિતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે હાલ કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઈને માતા-પિતાએ પણ પોતાનાં બાળકો માટે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. માતા-પિતાએ પોતાનાં બાળકોને ભીડવાળી જગ્યામાં લઈ જવાં જોઈએ નહીં અને જરૂર જણાય ત્યાં તેમને પણ માસ્ક પહેરાવીને લઈ જવા, સાથે તેમણે ઉમેર્યું હતું કે શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટનનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઊલટી જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.