વડોદરાના સમરસ કોવિડ સેન્ટરમાંથી કોરોના મૃતકનું ૬૦૦ ગ્રામ ચાંદીનું કડુ ચોરાયુ

(જી.એન.એસ)વડોદરા,વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું ૬૦૦ ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય તેટલા લઇ લો, પણ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો.જેમ જેમ કોરોના વાઇરસ ઝડપથી ગતિ પકડી રહ્યો છે, તેમ તેમ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, સમગ્ર દેશ આજે કોરોનાં સામે જંગ લડી રહ્યું છે. લોકો પોતાના સ્વજનો પણ ગુમાવી રહ્યા છે, ક્યાંક લોકોને દાખલ થવા માટે હોસ્પિટલ નથી મળતી, તો ક્યાંક લોકો કોરોનાં સામે ઘરમાં જ દમ તોડી દે છે, ત્યારે આજે વડોદરામાં આવેલી સરકાર માન્ય સમરસ કોવિડ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો.વડોદરા શહેરના ૫૦ વર્ષીય રાહુલ રવિશંકર દુબે ૩ દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવતા સમરસ ખાતે દાખલ થયા હતા. આજે સવારે અચાનક હોસ્પિટલમાંથી પરિવારને કોલ આવ્યો હતો કે, તેમનું મૃત્યુ થઇ ગયું છે. મૃતદેહ લઈ જાઓ, ત્યારે પરિવારજનો ત્યાં પહોંચતા રાહુલ દુબેના હાથમાંથી ચાંદીનું ૬૦૦ ગ્રામનું કડું ગાયબ હોવાથી પરિવારના સભ્યોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. પરિવાર પાસે પુરાવામાં વીડિયો અને ફોટા છે, જેમાં હાથમાં કડું દેખાય છે. અંતે પરિવાર દ્વારા ૧૦૦ નંબર પર જાણ કરી પોલીસ બોલાવીને ફરિયાદ નોંધાવીને સ્ટાફ પર કડક પગલાં લે તેવી માંગ કરી હતી..મૃતકના પરિવારજન રાજ દુબેએ જણાવ્યું હતું કે, આજે સવારે ૪ વાગ્યે મારા ફુવાનું મૃત્યુ થયું હતું, જેથી હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા અમે પહોંચી ગયા હતા. જોકે ૬૦૦ ગ્રામનું કડુ તેમના હાથમાંથી ગાયબ છે અને તેમના હાથમાં વાગેલુ છે. આ અંગે અમે ડોક્ટરને જાણ કરી છે અમે પોલીસને જાણ કરી છે.