વડોદરાના ગરનાળા નીચે વિકરાળ આગ ૧૦ કિ.મી. દૂર સુધી ધૂમાડા દેખાયા, વાહન વ્યવહાર બંધ

(જી.એન.એસ)વડોદરા,વડોદરાના અલકાપુર ગરનાળામાં બપોર બાદ અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેથી અલકાપુરી ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. આગના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૧ સુધી આગ પહોંચી ગઇ હતી. આગના ધૂમાડા ૧૦ કિ.મી. દૂર સુધી દેખાયા હતા.રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે.આગને પગલે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો છે અને અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો આગની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.