વડોદરાઃ મધ્યસ્થ જેલના ૧૨ કેદીઓ થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)વડોદરા,શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓ પણ કોરોનામાં સપડાયા છે. ૧૨ કેદીઓ કોરોના સંક્રમિત થતાં તાજેતરમાં જ ઉભા કરાયેલા લાલબાગ અતિથિગૃહ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોવિડ સેન્ટર બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે વડોદરામાં નાયબ મુખ્યપ્રધાનની મુલાકાત બાદ તરત જ શહેરના ચાર અતિથિગૃહ પૈકી પ્રથમ લાલબાગ અતિથિગૃહમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. હાલમાં કુલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૨ જેલના કેદીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.ગત વર્ષે પણ કોરોના મહામારીમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ કોરોનામાં સપડાયા હતા. જેમને પણ લાલબાગ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમાં સારવાર લઈ રહેલો એક કોવિડ પોઝિટિવ કેદી કોવિડ સેન્ટરના ઉપલા માળ ઉપરથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. જોકે એ કેદી પુનઃ ઝડપાઈ જતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ વર્ષે પણ કોરોના મહામારીમાં જેલના ૧૨ કેદીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે અને તેમને લાલબાગ અતિથિગૃહના કોવિડ સેન્ટરમાં રખાયા છે. ગયા વર્ષે પોલીસને ચકમો આપી જેલનો કેદી ફરાર થવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લાલબાગ અતિથિગૃહના કોવિડ સેન્ટર ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.