વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી મળ્યા ઐતિહાસિક પ્રાચીન અવશેષો

મહેસાણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ દરમ્યાન અત્યંત જૂના અવશેષો મળી આવ્યા છે. અવશેષોમાં વાસણોથી લઇને તાળા તેમજ મંદિરના પથ્થર સહિત માટીના વાસણોનો સમાવેશ થાય છે. જે સાબિતી આપે છે કે વડનગર ૨૫૦૦ વર્ષ કરતા પણ વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે.ગુજરાતની સૌથી ઐતિહાસિક નગરી તરીકે જેની ગણના થાય છે તે વડનગરની પ્રાચીન ધરોહરને ઉજાગર કરવા પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ અને સંશોધન ચાલી રહ્યું છે. વડનગરની ફરતે ચારેય દિશામાં આવેલી ચાર જગ્યા પર પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે. વડનગરના દરબાર વિસ્તાર, અમરથોળ દરવાજા નજીક આંબાઘાટી વિસ્તાર, પ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારા પાસે, બ્રાહ્મણ શેરીની પાછળ અને વાલમીયાના માઢ નજીક છેલ્લા ઘણા સમયથી સંશોધન થઇ રહ્યું છે. આજના અને ૨૫૦૦ વર્ષ પહેલાના વડનગરમાં શું તફાવત હતો ? એ વખતે નગરની રચના કેવી હતી ? અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવી રીતે આયોજન કરાયું હતું ? એ તમામ બાબતો જાણવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.
પુરાતત્વ વિભાગ દ્વારા આંબાઘાટી વિસ્તારમાં ૩૦ ફૂટ ખોદકામ દરમ્યાન સુરક્ષિત દીવાલ મળી આવી છે. આ ઉપરાંત સ્ટેજ ૧ અને સ્ટેજ ૨ના ૧૦૦ ફૂટ લંબાઈ ધરાવતા અને ૧૩ ફૂટ પહોળાઈ ધરાવતા મકાનો પણ પણ અહીંથી મળી આવ્યા છે. તો ઈંટોની લંબાઈ ૩૭ થી ૪૦ સેમી. પહોળાઇ ૨૫ થી ૨૮ સેમી. અને જાડાઇ ૮ સેમી છે. જે આજે પણ અકબંધ છે. આ જગ્યાએથી પ્રાચીન સિક્કાઓ, ખંડિત અવસ્થામાં મૂર્તિઓ, શંખની બંગડીઓ, માટીના પ્રાચીન વાસણો, તેમજ બૌદ્ધમઠના અવશેષો મળી આવ્યા છે. એવું કહેવાય છે કે વડનગર ક્યારેય બંજર સ્થિતિમાં રહ્યું નથી. કોઈને કોઈ પ્રજાતિનો અહીં વસવાટ જરૂર હોવો જોઈએ. જેના અવશેષો આજે પણ જમીનમાં ધરબાયેલા મળી આવ્યા છે.વડનગરમાં ચાલી રહેલા ખોદકામમાં નગર ફરતે માટીના કોટ મળી આવ્યા છે. તેમજ કોટની બહાર ઊંડી ખાઈ બનાવાઈ હોવાના અવશેષો પણ મળી આવ્યા છે.