વડવાહોથી ગામે બે યુવાનો ઉપર ઘાતક હથિયારો વડે જાન લેવા હુમલો

ભુજ : તાલુકાના વડવા હોથી ગામે કૌટુમ્બીક વિવાદ મુદ્દે એકજ પરિવારના સભ્યો વચ્ચે મામલો બિચકયો હતો. મારક હથિયારો વડે હુમલો કરી બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચાડતા પાંચ શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દિગ્વિજયસિંહ ખેતુભા જાડેજા (ઉ.વ.રપ) (રહે. વડવા હોથી તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે હુમલાનો બનાવ ગતરાત્રીના સાડા દસ વાગ્યે તેઓના ઘર પાસે બનવા પામ્યો હતો. મહેન્દ્રસિંહ સેતુભા જાડેજા, સેતુભા રાણાજી જાડેજા, ભુરૂભા કારૂભા જાડેજા, નારૂભા ભુરૂભા જાડેજા, ગમભા સુરૂભા જાડેજા (રહે. તમામ વડવા હોથી તા.ભુજ) તથા તેઓના કુટુંબ અને આરોપીઓના પરિવાર વચ્ચે કૌટુમ્બીક વિવાદ ચાલતો હોઈ તેઓ આરોપીઓ વિશે ખોટી વાતો કરે છે તેવો વ્હેમ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો ધારણ કરી તેઓના માથામાં મહેન્દ્રસિંહ જાડેજાએ કુહાડીથી હુમલો કરી તથા અન્ય આરોપીઓએ તેઓ તથા વાઘુભા વિભાજી જાડેજાને મારક હથિયારો વડે મારમારી અસ્થિભંગ સહિતની ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી ગાળો આપતા પધ્ધર પોલીસે આરોપી સામે રાયોટીંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે પીએસઆઈ એ.આર. ઝાલાએ ચક્રો ગતિમાન કરેલ છે.