વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)અમદાવાદ,વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોરોનાથી સંક્રમિત થયાં છે. હાલ એમની તબિયત સ્થિર છે. જિજ્ઞેશ મેવાણીએ ખુદ ટ્‌વીટ કરીને પોતાની તબિયત અંગે જાણકારી આપી છે. અપક્ષ ધારાસભ્ય છેલ્લા ૧૦ દિવસથી પોતાના મત વિસ્તારમાં હતા, જો કે થોડા દિવસ પહેલા તેમની તબિયત નાદુરસ્ત લાગતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જિજ્ઞેશ મેવાણી હાલ આઈસોલેશનમાં છે અને તેમણે અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલ લોકો કવોરનટાઇન થઈ જાય અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. આ સાથે જ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ લોકોને માસ્ક પહેરવા, ઘરમાં રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે પોતાના ટ્‌વીટમાં પોતાના જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહેલા મેડિકલ સ્ટાફ, ડૉક્ટરો સહિત અન્ય ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માન્યો છે.રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વીઆઈપીની સુરક્ષામાં તહેનાત ૧૭ જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે.
ગુજરાત વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. ૨૩ માર્ચે ૫ ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભાગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશનનો ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય એની અસર રહે છે.