લોરિયાના ચિયાણાવાળા ડેમના છેલામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

પોલીસે ૮૦૦ લિ. દેશી દારૂનો આથો, ગોળ અને દારૂ બનાવવાના સાધનો કર્યા કબજેઃ સડેલો ગોળ આપનાર વેપારી કોણ..?

ભુજ : તાલુકાના લોરિયા ગામે સીમમાં આવેલા ચિયાણાવાળા ડેમના છેલામાં છેલ્લા લાંબા સમયથી દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી, જમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાના આથા સહિતના સાધનો ઝડપી પાડ્યા હતા.પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ રજાક મામદ નાગીયા તેમજ સુલતાન અધાભા નાગીયા નામના શખ્સો લોરિયાની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં હતા, જેની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીઓ નાસી ગયા હતા, જયારે પોલીસે દારૂની ભઠ્ઠીનો નાશ કરીને દેશી દારૂ બનાવવાનો આથો લી. ૮૦૦, સળેલો ગોળ તેમજ દારૂ બનાવવાના પીપ સહિતના સાધનો ઝડપી પાડ્યા હતા. લોરિયા ઉપસરપંચ હસન મામદ ધોધાએ પોલીસને જાણ કરીને દારૂની બદીને નાબૂદ કરવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આરોપીઓ મેક્સ પીકઅપ નં. જી.જે. ૧ર વાય ૧૭૬૭ મારફતે દારૂની હેરાફેરી કરતા હતા. દેશી દારૂ બનાવવા માટે સળેલો ગોળ પણ ઝડપાયો હતો, ત્યારે આ ગોળ કયાંથી મંગાવવામાં આવે છે, તેની તપાસ કરીને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ
જતેમણે કરી હતી.