લોક પ્રશ્નોને વાચા ન આપનારા અધિકારીઓને સામે થશે કાર્યવાહી : દિલીપ ઠાકોર

પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને મુન્દ્રામાં યોજાઈ સમીક્ષા બેઠક : મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠ્યો : પાણી, ગટર, સ્થાનિકોને રોજગારી, નર્મદા કેનાલ, ગૌચર દબાણ સહિતના પ્રશ્નો પણ કરાયા રજૂ

 

મુન્દ્રા : ભારતના વડાપ્રધાન અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી પારદર્શી વહીવટને અગ્રતા આપવાની દેશના સાંસદો સહિતનાઓએ કડક આદેશો આપી રહ્યા છે જ્યારે બીજી તરફ સરકારી બાબુઓ તેની ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવતા હોઈ લોકોના પ્રશ્નો ટલ્લે ચડે ચડતા હોય છે ત્યારે આવા બાબુઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે ઉચ્ચારી હતી.
આ અંગેની વિગતો મુજબ માંડવી, મુન્દ્રા વિસ્તારના લોક પ્રશ્નોના નિરાકરણ માટે આજરોજ મુન્દ્રાની ક્ષત્રિય સમાજવાડી મધ્યે પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં થોકબંધ પ્રશ્નો રજૂ થતા ખુદ મંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા અને નાના – નાના પ્રશ્નો માટે લોકોને સરકારી કચેરીઓના આંટાફેરા કરવા પડતા હોઈ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ ન લાવનારા સરકારી કર્મચારી – અધિકારીઓ સામે લાલઆંખ કરાશે તેવી સખત શબ્દોમાં ચેતવણી આપી હતી. ઔદ્યોગિક ધમધમાટના કારણે માંડવી – મુન્દ્રા પંથક વિકાસના પથ પર નિરંતર ગતિ કરતું થયું છે. અન્ય રાજ્યોના લોકો પણ અહીં સ્થાઈ થઈ આવક રડતા થયા છે. પરંતુ સ્થાનિકોને રોજગારી આપવામાં ઔદ્યોગિક એકમો ઠાગાઠૈયા કરતા હોઈ કચ્છના લોકોને પ્રાથમિકતા આપવા પણ કંપનીઓના પ્રતિનિધિઓને આદેશો કર્યા હતા. પ્રજાકિય પ્રતિનિધિઓ તેમજ આગેવાનો દ્વારા રસ્તા, પાણી, ગટર, ગૌચર દબાણ સહિતના પ્રશ્નો પણ રજૂ કરાયા હતા. જેના પ્રત્યુતરમાં શ્રી ઠાકોરે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, સમીક્ષા બેઠકમાં સરકારી યોજનાઓની કેટલી અમલવારી થઈ અને લોક પ્રશ્નોનું કેટલો નિકાલ થયો તેની વિગતો રજૂ થવાને બદલે અહીં તો સ્થાનિકો સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે આ સમસ્યાઓનું તાત્કાલીક નિરાકરણ લાવવા અધિકારીઓને સુચન કર્યું હતું. આગામી બેઠકમાં આ તમામ પ્રશ્નો સંદર્ભે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેના રીપોર્ટ પણ તેઓ જાતે જ મેળવશે તેવું પણ તેમણે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.
મુન્દ્રાની વસતીમાં દિન – પ્રતિદિન વધારો થઈ રહ્યો હોઈ બારોઈ, ગોયરસમા સુધી સ્થાનિકો વસવાટ કરવા લાગ્યા છે ત્યારે મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જો મળે, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી. દ્વારા સવારના સમય વધારાની બસો દોડાવાય, કંપનીઓ દ્વારા નદી- નાળા પર કરાયેલા દબાણોના લીધે વરસાદી પાણી અવરોધાતા હોઈ આવા દબાણો દૂર કરાય, પાક ધિરાણની લોનમાં બેંકો દ્વારા તોતીંગ પ્રીમીયમ કપાતું હોઈ તે બંધ કરવામાં આવે તે સહિતના પ્રશ્નો પણ રજૂ થયા હતા.
બેઠકનો પ્રારંભ ઉપસ્થિતોએ દીપ પ્રાગટય દ્વારા કર્યો હતો. પ્રાસંગીક ઉદબોધન પ્રાંત અધિકારી શ્રી વસ્તાણીએ કર્યું હતું.
સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ દશરથબા ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય છાયાબેન ગઢવી, મનીષાબેન ગોર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ગોપાલ ધુઆ, માંડવી નગરપતિ મેહુલ શાહ, મુન્દ્રા પી.આઈ. શ્રી ચૌહાણ, રણજીતસિંહ જાડેજા, ડાયાલાલ આહિર, વાલજી ટાપરીયા, મહેન્દ્રસિંહ જાડેજા (જામ), પ્રણવ જોષી, વિશ્રામ ગઢવી, ભુપેન મહેતા, ખેંગાર ગઢવી, કીર્તિ ગોર, સામજી સોધમ, હકુમતસિંહ જાડેજા, ગોવિંદ ધુઆ, વિજયસિંહ જાડેજા, ચાંદુભા જાડેજા, માલીનીબેન ગોર, ખુશ્બુ શર્મા, પ્રીતી સિંઘ, રીટા ગોર, ધારાબેન ગોર, પ્રજ્ઞાબેન પીઠડીયા, રાજુભા જાડેજા, ભાઈલાલ ચોથાણી, કુલદીપસિંહ જાડેજા, મેઘરાજ ગઢવી, એસ.ટી.ના શ્રી શેખાવત, ફોરેસ્ટ વિભાગના પ્રવિણકુમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.