લોક પ્રશ્નોના ઉકેલ માટે અંજારમાં હલ્લાબોલની કોંગ્રેસી ચિમકી

અંજારઃ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી ૮૪ શિક્ષકોની ઘટ છે જે ખુબજ ગંભીર બાબત છે. વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરવામાં આવી રહેલ છે. આ બાબતે અવાર નવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવેલ હોવા છતાં આ બાબતે સરકાર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.અંજાર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મેડીકલ ઓફીસરની ઘટ છે. જે પણ ખુબજ ગંભીર બાબત છે. સરકારના પરિપત્ર મુજબ ૮૦% સ્થાનિકોને કંપનીમાં રોજગારી આપવાની હોય છે. પરંતુ અંજાર તાલુકામાં આવેલ ઔદ્યોગિક કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી નથી અને તેના કારણે સ્થાનિક ડીગ્રી ધારક બેરોજગાર યુવાનોને ના છુટકે ના ઈલાજે કંપનીના કોન્ટ્રાકટરો પાસે રૂા.પ થી ૭ હજારમાં નોકરી કરી રોજગારી મેળવવી પડે છે અને કંપનીઓ દ્વારા સી.એસ.આર.ફંડ પણ યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ વાપરવામાં નથી આવતું.પ્રાઈવેટ કંપનીઓ દ્વારા પ્રશાસનનો દુર ઉપયોગ કરી મોટા રાજકીય માથાઓ અને કંપનીના અધિકારીઓ સાથે મળી ખેડુતોના ખેતરમાંથી જબરજસ્તીથી યોગ્ય વળતર આપ્યા વિના વીજ પોલ તથા વીજ લાઈન પસાર કરવામાં આવે છે જેમાં ખેડુતોને અન્યાય થઈ રહેલ છે. જે ખુબ ગંભીર બાબત છે.
અંજાર તાલુકામાં સિનુગ્રાથી ચંદિયા ડામર રોડની કામગીરી હાલે ચાલુમાં છે, જેમાં કવોલીટી તથા ટેન્ડરની શરતો મુજબ કામગીરી કરવામાં આવી રહેલ નથી અને કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જો આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ઉચ્ચ લેવલે ફરીયાદ કરવામાં આવશે.અંજાર તાલુકામાં શિક્ષકની ઘટ, આરોગ્ય વિભાગમાં મેડીકલ ઓફીસરની ઘટ તથા કંપનીઓમાં સ્થાનિકોને રોજગારીનો પ્રશ્ન અને ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર મુદે તથા ખેડુતોને વીજ પોલ લાઈનના વળતર બાબતે અન્યાય થઈ રહેલ હોઈ જે અંગે તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે અને ઉચ્ચ લેવલે ફરીયાદ કરવામાં આવશે તેવું અંજાર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા રમેશભાઈ ડાંગરની યાદીમાં જણાવાયું છે.