લોકો સુધી પાણી પહોંચાડવા પ્રભારીમંત્રીની તાકીદ પ્રજા- જનપ્રતિનિધિઓના પ્રશ્નો ઉકેલોઃ દિલીપ ઠાકોરનો તંત્રને આદેશ

શ્રમ, રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિભાગના મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો લોકદરબાર : ટ્રાફિક, કાયદો વ્યવસ્થા, પીજીવીસીએલ સહિતના પ્રશ્નો થયા રજૂ

અંજાર : કચ્છ જિલ્લા હજુ મેઘરાજાએ દસ્તક દીધી ન હોઈ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે લોકો સુધી પાણી પહોંચાડવાની સાથો સાથ પ્રજા અને જન પ્રતિનિધિઓના પ્રશ્નોના તાકીદે નિરાકરણ માટે પ્રભારીમંત્રી દિલીપકુમાર ઠાકોરે અધિકારીઓને આદેશો કર્યા હતા.
અંજાર પ્રાંત કચેરી ખાતે શ્રમ, રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિભાગના મંત્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં અંજાર શહેર- ગ્રામ્ય તેમજ ગાંધીધામનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ગત વર્ષે પડેલા અપુરતા વરસાદ બાદ ચાલુ વર્ષે હજુ સુધી મેઘરાજાએ આગમન કર્યું ન હોઈ પીવાના પાણીની સ્થિતિ વર્તમાને ગંભીર બની રહી છે, ત્યારે લોકો સુધી પાણી પહોંચાડવા મંત્રીશ્રી ઠાકોરએ તાકીદ કરી હતી. સરકારી કચેરીઓમાં પ્રજાની સાથો સાથ જન પ્રતિનિધિઓના પ્રશ્નો ટલ્લે ચડી રહ્યા હોઈ, આ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા અધિકારીઓને આદેશો કરાયા હતા. લોક દરબારમાં ઉપસ્થિતોદ્વારા કાયદો વ્યવસ્થા, પીજીવીસીએલ, ટ્રાફિક સમસ્યા ઉકેલવા પણ થોકબંધ પ્રશ્નો રજૂ થયા હતા. ઐતિહાસિક સ્થળ જેસલ – તોરલની સમાધીના કામો પણ યુદ્ધના ધોરણે કરવા પ્રશ્નો ઉઠ્યા હતા જે તમામનો તાકીદે ઉકેલ લાવવા મંત્રી દિલીપભાઈ ઠાકોરે આદેશો કર્યા હતા.
આ વેળાએ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા સંગઠન પ્રભારી બિપીનભાઈ દવે, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તા.પં. પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, જ્યોત્સનાબેન દાસ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જે.પી. મહેશ્વરી, રામજીભાઈ ઘેડા, દેવજીભાઈ વરચંદ, મ્યાજરભાઈ છાંગા, દિપકભાઈ પારેખ, મધુકાંત શાહ, સંજય દાવડા, લવજીભાઈ સોરઠિયા, રણછોડ વિ. આહિર, ત્રિકમ આહિર, જ્યોતિબેેન વાઘેલા, વર્ષાબેન ત્રિવેદી, વસંત કોડરાણી, ગોવિંદ કોઠારી, કાનજી જીવા શેઠ, જીવાભાઈ શેઠ, અમિત વ્યાસ, અંજાર પ્રાંત વિજય રબારી, ડિવાયએસપી પી.એમ. વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.