લોકો લાચાર… હોસ્પિટલો ઉભરાઈ.. હવે ભગવાનનો જ સહારો….

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દરરોજ હૃદય કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે, સંક્રમણનો વેગ રોકાતો નથી. તંત્ર દોડી દોડીને હાંફી ગયું છે. લોકો લાચાર બન્યા છે. પરિણામે આખો દિવસ એમ્બ્યુલન્સની દોડાદોડ અને દર્દીને દાખલ કરાવવા હોસ્પિટલના દ્વારે કતારો લાગે છે. હવે તો ૧૦૮ની સાથે ખાનગી વાહનો પણ લાઈનમાં જોવા મળે છે. હોસ્પિટલો ઉભરાઈ રહી છે. એક સમય જે હોસ્પિટલમાં લોકોની નહીવત અવર જવર હતી, આજે એ સ્થળ કતારધામ બની ગયું છે. એમ્બ્યુલન્સ ન મળતા લોકો હાથવગા વાહન લઈને આવી રહ્યા છે. દર્દીને વાહનમાં જ ઓક્સિજન આપી પ્રાણવાયુનો સંચાર કરાય છે. સબ સલામતની આલબેલ વચ્ચે જિંદગી લાચાર બની છે. તંત્રમાં તો લોકોને ભરોસો રહ્યો નથી. જેથી શ્વાસ માટે તડપતા દર્દીઓને માત્ર ભગવાનનો ભરોસો છે.