લોકસભા ચૂંટણી માટે તંત્ર હરકતમાં કચ્છમાં મતદાન મથકોના પુનઃ ગઠન માટે આરંભાયો ધમધમાટ

વર્તમાને છ વિધાનસભા મતવિસ્તારમાં ૧૮૦૩ છે મથકો : મતદારોની સંખ્યા વધવાના લીધે સંખ્યામાં થશે વધારો : જિલ્લા સમાહર્તાની મંજૂરી બાદ રાજકિય પક્ષોના અગ્રણીઓ સાથે યોજાશે બેઠક

 

ભુજ : લોકસભા ચૂંટણીને આડે હજુ મહિનાઓ બાકી હોવા છતા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આદેશોના પગલે કચ્છમાં મતદાન મથકોના પુનઃ ગઠન માટે સર્વેની કામગીરી ચાલી રહી હોઈ મતદારોની સંખ્યા વધવાના લીધે મથકોના સંખ્યામાં પણ ઉમેરો થઈ શકે તેમ છે.
આ અંગેની વિગતો મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦૧૯માં યોજાવાની છે. ત્યારે વસ્તીના ધોરણે મતદાન મથકોનું પુનઃ ગઠન કરવું આવશ્યક બન્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧ર૦૦થી વધુ અને શહેરી વિસ્તારમાં ૧૪૦૦થી વધુ વરસ્તી હોય તેવા મતદાન મથકોને મર્જ કરવા તેમજ પૂરક મતદાન મથક આપવાના થાય છે. મતદારોને મતદાન માટે બે કિ.મી.ને વધુ અંતર કાપવું પડતું હોય અથવા ભૌગોલિક સ્થિતિ અનુકુળ ન હોય તો તેવા મતદાન મથકોને સુવિધા આપવાનું નક્કી કરાયું છે. જિલ્લા ચૂંટણી શાળાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ લોકસભા ચૂંટણીને અનુસંધાને મતદાન મથકોના પુનઃ ગઠનની કામગીરી જિલ્લામાં આરંભાઈ છે.
વર્તમાને છ વિધાનસભા મતવિસ્તારમાં ૧૮૦૩ મથકો છે જેમાં નવા મતદાન મથકોનો ઉમેરો થઈ શકે છે. હાલે કામગીરી અંતિમ તબક્કામાં હોઈ જિલ્લા સમાહર્તા પાસેથી મંજૂરી મળ્યા બાદ રાજકિય પક્ષોના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવશે.