લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર-સંગઠનમાં ધડાકાબંધ ફેરફારો?

‘ગાભા’ નીકળી જાય તે પૂર્વે પાર્ટી અને રાજ્ય સરકારની ‘આભા’ ઉભી કરવા ધરખમ નિર્ણયોની સંભાવના બળવાન

 

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીવી બહુમતી સાથે ફરી સતારૂઢ થયેલી રૂપાણી સરકાર હવે પાંચ વર્ષ સુધી યથાવત રહેશે તેવી સ્વભાવિક માન્યતા વચ્ચે ભાજપના ટોચના વર્તુળો આગામી દિવસોમાં સરકાર અને ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારોની સંભાવના નિહાળી રહ્યા છે. ધારાસભાની ચૂંટણીમાં દાઝી ગયા પછી ભાજપ હાઈકમાન્ડ હવે છાશ પણ ફુંકી-ફુંકીને પીવા માંગે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અથવા પછી તુરંત મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બદલાશે તેવુ કહેવુ અત્યારે અતિશયોકિતભર્યુ ગણાય પરંતુ અશકય નથી તેવી ભાજપના વર્તુળોની વાત સૂચક ગણાય છે. રાજ્ય સરકારની ‘આભા’ ઉભી કરવા નેતૃત્વ પરિવર્તન અથવા અન્ય કોઈ પ્રકારના ‘કદાવર’ નિર્ણયની શકયતા નષ્ટ થઈ ગઈ નથી. ગુજરાતમાં ૧૫૦ બેઠકોના લક્ષ્યાંક સામે ભાજપને માત્ર ૯૯ બેઠકો મળી તેનાથી હાઈકમાન્ડ ચિંતિત છે. લોકસભાની ચૂંટણીમાં એક એક બેઠક અતિ મહત્વની છે. હાલ ભાજપના કબ્જામાં રહેલી તમામ ૨૬ બેઠકો જાળવવાનું કામ અત્યારની સ્થિતિએ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે. વિપક્ષ નવા લડાયક ચહેરાઓ સાથે મજબુતાઈથી સામે આવ્યો છે. વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસનો સામનો સરકાર અને ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. હવે સરળ નહિ ‘સબળ’ નેતૃત્વની જરૂરીયાતનો સમય આવી ગયો છે. ભાજપનો એક વર્ગ ‘અણી ચૂકયો સો વર્ષ જીવે’ કહેવતનો આધાર ટાંકીને જણાવે છે કે, કોઈ વ્યકિત એક વખત સત્તામાં બેસી જાય પછી તેને હટાવવાનું કામ ખૂબ અઘરૂ હોય છે. શ્રી વિજય રૂપાણી સક્રીય અને બિનવિવાદાસ્પદ છે. કેન્દ્રના બન્ને નિર્ણાયક નેતાઓની ગુડબુકમાં છે. બીજી તરફ દિલ્હી સાથે જીવંત સંપર્ક ધરાવતા આધારભૂત વર્તુળો એવુ કહે છે. શ્રી રૂપાણી સંપૂર્ણ ‘શિસ્તબદ્ધ’ છે. તેમને ગમે ત્યારે ગમે તે જવાબદારી સોંપી શકાય કે પાછી લઈ શકાય તેવી સરળતાએ જ તેમની પસંદગીમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. અન્ય મુખ્યમંત્રી કરતા તેમને બદલવાનું અને નવુ કામ સોંપવાનું સહેલુ છે. રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે દિમાગનો વિખવાદ હોવાથી દિલથી એકતા સ્થાપી શકાય તેવા સંજોગો નથી. બન્ને પુરી મુદત સુધી સાથે રહી શકે તો તે માત્ર ચમત્કાર જ ગણાશે. સતા ક્ષેત્રે ફેરફારો માટે આ પણ એક કારણ બની શકે છે. જો સરકારમાં નેતૃત્વ પરિવર્તન કરવાનું ન હોય તો પણ વિસ્તરણ અને બોર્ડ નિગમોમાં નિમણૂકો સહિતના કાર્યો ગમે ત્યારે હાથ પર લેવાશે. પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની ક્ષમતાનો સૌને ખ્યાલ આવી ગયો છે. લોકસભાની ચૂંટણી એના નેતૃત્વમાં લડાય તેવી શકયતા ધૂંધળી છે. મુખ્યમંત્રી નહિ તો પ્રદેશ પ્રમુખ બદલાય તેવી શકયતા નકારાતી નથી. હાલના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને કેન્દ્રીય કક્ષાએ અથવા અન્ય મોટા રાજયમાં જવાબદારી સોંપી તેમના સ્થાને ગુજરાતમાં અન્યને મહામંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં તેમના સંભવિત અનુગામી તરીકે વડોદરાના શ્રી ભાર્ગવ ભટ્ટનું નામ મોખરે ઉપસે છે. રાજકારણમાં ગમે ત્યારે ફેરફારની સંભાવના જન્મતી હોય છે અને ગમે ત્યારે નષ્ટ થઈ જતી હોય છે. અત્યારની વાત જો અને તો આધારિત છે પરંતુ ગુજરાતના રાજકારણમાં નજીકના ભવિષ્યમાં નવા વળાંકો આવી રહ્યાના ચોખ્ખા સંકેત છે.